પોલીસ સાથે ગેરવર્તણૂક:અંજારમાં વાહન ચેંકિગ માટે અટકાવતા પોલીસને અપશબ્દો કહ્યાં; 2 વ્યક્તિ સામે ગુનો નોંધાયો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંજાર પોલીસ ટીમ વરસામેડી નાકા પર વાહન ચેકિંગની કામગીરીમાં જોડાયેલી હતી. ત્યારે મોપેડમાં આવેલ બે શખ્સોએ વારંવાર હોર્ન વગાડતાં પોલીસ કર્મચારીએ ગાડીના કાગળો માંગ્યા હતા, પરંતુ આરોપીએ ગાળો આપી ફરજમાં રુકાવટ પેદા કરતાં પોલીસે કાયદાનો પરચો બતાવી બંને ઈસમોને ધરબોચી લીધા હતા.

અંજાર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આજે રાત્રિના 2.30 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. અંજાર પોલીસ મથકના PSIની મદદમાં રાઈટર તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિહા શંકર પરમાર આજે રાત્રિના વરસામેડી નાકા પાસે પોતાની વાહન ચેકિંગની ફરજમાં રોકાયેલા હતા. ત્યારે મોપેડમાં મહેબૂબ સતાર લોહાર તથા પવન જયદેવ સરદાર ત્યાંથી પસાર થતા હતા. જેથી પોલીસ કર્મચારીએ તેઓનું વાહન રોકાવતાં આરોપીએ સતત હોર્ન વગાડ્યું હતું. પોલીસ કર્મચારીએ કાંઈ પ્રોબ્લેમ છે અને આટલી રાતે કેમ નીકળેલ છો તેમ કહ્યું હતું.

જેમાં મોપેડ ચાલકે હું મહેબૂબ છું તમે કોણ પૂછવાવાળા તેમ કહ્યું હતું. મોપેડમાં નંબર પ્લેટ ન હોવાથી પોલીસ કર્મચારીએ ગાડીના કાગળોની માગણી કરી હતી. જેથી આરોપી ઉશ્કેરાઈ જઈ પોલીસ કર્મચારીને ગાળો આપી હતી અને તેમની કાયદેસરની ફ૨જમાં રુકાવટ પેદા કરી હતી. ઘટનાની ગંભીરતા પારખી પોલીસ કર્મચારીએ અન્ય સ્ટાફને બોલાવી લીધો હતો અને બંને શખસોને પકડીને પોલીસની જીપમાં બેસાડી થાણામાં લઈ જવામાં આવ્યા હતા. જે અંગે અંજાર પોલીસે પોલીસ કર્મચારી વિહા શંકર પરમારની ફરિયાદ પરથી બંને ઈસમો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...