કંડલામાં ઘઉં પ્રતિબંધથી વણસતી પરિસ્થિતિઓના કારણે દિલ્હીથી મારતે ઘોડે ગાંધીધામ,કંડલા આવી પહોંચેલા એડીશનલ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડએ પોર્ટ પ્રશાસન, નિકાસકારો સહિત સ્થાનિક પ્રશાસન સાથે બેઠક કરીને પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સુત્રોએ જણાવ્યું કે બેઠકમાં પોલીસીમાં કોઇ પરીવર્તન અંગેનો વાયદો ન કરીને અત્યાર સુધી જેટલી છુટછાટો અપાઈ છે, તેમાં કઈ રીતે આ પરિસ્થિતિમાંથી ઉગરી શકાય તેનો માર્ગ તલાશવા જણાવાયું હતું.
સ્થિતિ જાણીને આ અંગે મંત્રાલયમાં તેનો રિપોર્ટ આપવાની તજવીજ પણ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. સુત્રોએ જણાવ્યું કે હાલ ચાલુ એક્સપોર્ટ બાદ પોર્ટ એરીયા અને આસપાસ રહેલા અંદાજે 18 લાખ ટન જથ્થામાંથી અંદાજે 5 લાખ ટન જેટલા પાસેજ નિયમાનુસાર એલસી હશે, જેથી બાકી રહેતા 13 લાખ ટન અંગેની અનીશ્ચીતતા બરકરાર છે. એક્સપોર્ટની રાહ સ્પષ્ટ ન દેખાતા કેટલીક ટ્રકોએ રાજકોટ, મોરબી અને ભુજના લોકલ માર્કેટ તરફ પણ ટ્રકો વાળી હોવાનું જાણવા મળે છે.
દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલામાં ગત સપ્તાહે ઘઉં નિકાસ પર અચાનક મુકાયેલા પ્રતિબંધથી ડ્રાઈવરો સાથેની હજારો ટ્રકો અને લાખો ટન ઘઉંનો જથ્થો અટવાઈ ગયો છે, ટ્રેડને ભારે નુકશાન સાથે ડ્રાઈવરોની કફોડી થતી હાલતથી સતત બગડતા માહોલ અંગે ઉહાપોહ થતા ગતરોજ એડીશનલ અધિકારીએ મોડા આદેશના પગલે રોડ માર્ગે ગાંધીધામ સુધીનો સફર ખેડી આવ્યા હતા.
ડીપીએના સભાખંડમાં સવારના એડી. ડીજીએફટી આકાશ તનેજા સાથે પોર્ટ ડે. ચેરમેન નંદીશ શુક્લા, કસ્ટમના આર.એચ. મીણા, એસપી મહેંદ્ર બાગરીયા, કાસેઝના જોઇન્ટ કમિશનર સત્યદીપ મહાપત્ર, ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજાભાઈ કાનગડ, ઘઉં નિકાસના હેંડલર્સ સાથે બેઠક યોજીને પરિસ્થિતિ પર વિચાર વિમર્શ કર્યો હતો.
બેઠકમાં એડી. ડીજીએફટીએ જણાવ્યું હતું કે નિયમોમાં પરીવર્તન આવશે તેવુ કોઇ વચન તેઓ આપી શકે તેમ નથી. જે લાંગરેલા 5જહાજોને પરવાનગી વિશેષ પરિસ્થિતિઓના આધારેજ અપાઈ હતી. હવેના કાર્ગો પર અગાઉ બહાર પડેલી નોટિફિકેશન અનુસાર 13મે કે તેના પહેલા એલસી ફાઈલ કરાયું હશે, કે કસ્ટમને જરૂરી દસ્તાવેજો પુરા પડાયા હશે, તેમનેજ નિકાસની પરવાનગી અપાશે. ચેમ્બર પ્રમુખ તેજાભાઈએ જેટલો કાર્ગો આવી ચુક્યો છે તેની પરવાનગી માટે રજુઆત કરી હતી.
સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે આવશ્યક, સતત પેટ્રોલીંગ કરાઈ રહ્યું છે
હજારો ટ્રકોના ડ્રાઈવર, લાઈનર્સ દિવસોથી ગરમીમાં રાહ જોઇ રહ્યા છે ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન ખોરવાય તે આ તકે ખુબ જરૂરી મુદો બન્યો છે. ડીજીએફટી દ્વારા સહુ માનવીય અભીગમ દાખવી સહયોગ કરે તેવી અપીલ કરી હતી. તો આ અંગે પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક મહેંદ્ર બગડીયાએ કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક ધોરણે પીઆઈ, પીએસઆઈ કક્ષાથી યોગ્ય પ્રયાસો કરાઈ રહ્યાનું અને સ્થળો પર સતત પેટ્રોલીંગ કરાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારની આ 3 રીત, એલસી ધારકો સુરક્ષિત
નિકાસ પ્રક્રિયામાં પેમેન્ટની બેંક ગેરંટી સુનિશ્ચીત કરવા માટે એલસી (લેટર ઓફ ક્રેડીટ) ઈશ્યુ કરવામાં આવે છે, આ પ્રકરણમાં સરકાર દ્વારા 13મે કે તે પહેલા તેમણે એલસી પ્રાપ્ત કર્યું છે, તે નિકાસકારો સુરક્ષીત હોવાનું ચેમ્બર મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું. અન્ય કિસ્સામાં એડવાન્સ આધારીત પ્રક્રિયા થાય છે, તેમાં અનીશ્ચીતતા છે, જેમણે કસ્ટમ ડોક્યુમેંટ્સ આપ્યા છે, તે આધારીત નિર્ણય થશે. તો દેશ થી દેશનો વેપારમાં જે રાષ્ટ્ર દ્વારા આયાત માટે સરકારી રાહે મંત્રણા કરાશે અને સ્વિકારાશે, તેમને કાર્ગોને રાષ્ટ્રીય હિતમાં મંજુર કરાશે.
14 મે પછી આવેલી ટ્રકોને નિકાસકારોએ પાછી મોકલી
દરેક દેશ ઈચ્છતો હોય કે એક્સપોર્ટ વધે અને તે થકી વેપારમાં વૈશ્વીક ભાગીદારી પણ વધે, પરંતુ સ્થાનિક ધોરણે ફુડ સીક્યોરીટી પણ આવશ્યક છે. ઉધોગપતી પ્રવીણ સંઘવીએ જણાવ્યું કે લોકલ માર્કેટમાં ભાવ પડી જવાથી નુકશાન થયું છે, કેટલીક મોટી કંપનીઓએ પોતાની ટ્રકોને પરત મંગાવીને લોકલ માર્કેટ મોકલી દીધી છે. સરકારે રીસર્ચ બાદ આવો નિર્ણય લીધો હશે તેવો મત પણ વ્યક્ત કરાયો હતો.
ટર્મીનલના ખુલ્લા પ્લોટમાં પોર્ટ, ચેમ્બર અને પોલીસ દ્વારા ફુડ વિતરણ અવિરત
દીન દયાલ પોર્ટ ઓથોરિટી, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને ઈન્ડસ્ટ્રી દ્વારા પોલીસ અને અગ્નીશમન દળના સહયોગથી ટ્રક પાર્કિંગ ઝોન તરીકે ઉપયોગમાં લેવાઈ રહેલા એસઆઈપીસીના 800 એકર પર ફુડ પેકેટ્સ, પાણી, નાસ્તા વિતરણની વ્યવસ્થા સતત ચલાવાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.