ગાંધીધામ થી કંડલા જતા હાઇવે અને સર્વિસ રોડ પર બેફામ ગતિથી થતા વાહન વ્યવહારને કારણે ભૂતકાળમાં પણ અનેક જીવલેણ અકસ્માતો સર્જાઇ ચૂક્યા છે , તેમાં તા.24/2 ના સાંજે રસ્તો ઓળંગી રહેલા યુવાનને કાર ચાલકે અડફેટે લેતાં ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે અમદાવાદ લઇ જવાયા બાદ તેણે તા.4/3 ના દમ તોડતાં આ અકસ્માત જીવલેણ સાબિત થયો હતો.
મુળ બિહારના હાલે કાર્ગો યાદવનગરમાં રહેતા સોનીદેવી ભુશન કેવટે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, અકસ્માતની ઘટના તા.24/2 ના રોજ સાંજે પોણા આઠ વાગ્યાના અરસામાં બની હતી જેમાં ગા઼ધીધામ-કંડલા હાઇવે પર અંબિકા કાંટા પાસે તેમના પતિ ભુષન રાજકુમાર કેવટ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પૂર ઝડપે જઇ રહેલા કાર ચાલકે તેમને અડફેટે લેતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.
108 મારફત પ્રથમ રામબાગ હોસ્પિટલ, ત્યાંથી જૈન સેવા સમિતી ત્યારબાદ ભુજ જનરલ હોસ્પિટલ અને છેલ્લે અમદાવાદ સિવિલ લઇ જવાયા હતા. અકસ્માત સર્જનાર પણ સ્ટર્લિંગ હોસ્પિટલ સુધી સાથે રહ્યા હતા અને બીલો ચુકવ્યા હતા.
અમદાવાદ ખાતે તા.4/3 ના રોજ તેમણે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. તેઓ સારવારમાં અને અંતિમ ક્રીયામાં રોકાયેલા હોવાને કારણે આ ફરિયાદ મોડી નોંધાવી હોવાનું જણાવ્યું હતું. બી-ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ ધર્મદિપસિંહ ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ હાલ આ ઘટનાને કારણે પરિવારમાં માતમ છવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.