અકસ્માત:ચીરઇ પાસે કાર અથડાતાં યુવાન બ્રીજ નીચે પટકાતાં મોત

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગરના યાત્રાળુ હાજીપીર દર્શન કરી પરત ફરી રહ્યા હતા

ભચાઉ તાલુકાના જુની ચીરઇ સામેના બ્રીજ પર ઉભેલી બસમાં કાર અથડાતાં બાજુમાં ઉભેલો યુવાન ટક્કર લાગતાં બ્રીજ નીચે પટકાતાં ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. હાજીપીરના દર્શન કર્યા બાદ સુરેન્દ્રનગર પરત ફરતી વેળાએ બસમાં અવાજ આવતાં બસ ઉભી રાખી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

સુરેન્દ્રનગરના પાટડી ખાતે રહેતા અહેમદશા રહેમાનશા ફકીરે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પરિવાર સાથે લક્ઝરી બસ રોકી હાજીપીર દરગાહના દર્શનાર્થે આવ્યા હતા. તા.4/3 ના રાત્રી રોકાણ અંજાર ખાતે કરી તા.5/3 ના તેઓ પાટડી જવા નિકળ્યા હતા. બપોરે સાડા ચાર વાગ્યાના અરસામાં જુની મોટી ચીરઇ સામેના રેલ્વે ઓવરબ્રીજ પર પહોંચ્યા ત્યારે બસમાં મોટો અવાજ થતાં બસ થોભાવી તેઓ, ડ્રાઇવર શબ્બીરમિંયા ગુલુમીંયા મલેક અને કન્ડક્ટર સચીન ત્રણે જણાએ નીચે ઉતરી ચેક કરતાં ડીઝલ ટાંકીનો બોલ્ટ ખુલી જતાં ટાંકી રોડ પર ઘસડાતી હતી અને ડીઝલ લીકેજ થતું હતું.

આ ઘટના બાદ તેઓ ઉભા હતા સાથે ચાણસ્માનો રજાકશા હુસેનશા દિવાન પણ ડિવાઇડર પર ઉભો હતો તે દરમિયાન ગાંધીધામ તરફથી પૂર ઝડપે આવી રહેલા બલેનો કારના ચાલકે રજાકશાને ટક્કર મારી બસમાં કાર અથડાવી હતી. રજાકને ટક્કર લાગતાં તે ઓવરબ્રીજ નીચે પટકાયો હતો જેમાં માથામાં ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. તેમણે અકસ્માત સર્જનાર બલેનો ચાલક સામે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નો઼ધાવી હતી. પીએસઆઇ આર.જે.સિસોદિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...