ગાંધીધામ-આદિપુર સંકુલમાં રાત પડે અને લુખ્ખા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે, જેમાં કિડાણા પાસે એક્ટીવા ચાલક મહિલાને રોકી બાઇક પર આવેલા બે ઇસમોએ તેમને પાડી દઇ તેમનું મંગળસૂત્ર અને મોબાઇલ ઝૂંટવી ભાગ્યા હોવાની ઘટના આદિપુર પોલીસ મથકે નોંધાઇ છે. કિડાણાની મૈત્રી રેસિડેન્સીમાં રહેતા 42 વર્ષીય સુજાતાબેન વૈંકટેશ રાવ ગત રાત્રે 8 વાગ્યે કિડાણા અને આદિપુર વચ્ચે આવેલી જી સ્કુલ સામે બાઇક પર આવેલા બે અજાણ્યા ઇસમોએ તેમને રોકી ગળામાં પહેરેલું સોનાનું મંગળસૂત્ર અને હાથમાં રહેલો મોબાઇલ ઝૂંટવી ધક્કો મારી ભાગ્યા હતા. એક્ટીવા ઉપરથી પડી જતાં સુજાતાબેનને ઇજાઓ પહોંચી હતી.
આ બાબતે તેમણે પુત્રને જાણ કરતાં અર્જુન વૈંકટેશ રાવ તેમને રામબાગ હોસ્પિટલ સારવાર અર્થે લઇ આવ્યો હતો. આ બાબતે આદિપુર પોલીસને જાણ કરવાઇ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રકારના બનાવો સતત બની રહ્યા છે. આવી ઘટનાને અંજામ આપનાર લુખ્ખા તત્વોને જાણે કોઇ ખોફ ન હોય તે રીતે અંજામ આપી રહ્યા છે ત્યારે હાલત એવી થઇ છે કે, રાત્રે એકલા નિકળવું સંકુલમાં જોખમકારક બની ગયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.