ભચાઉ તાલુકાના લાકડિયા પાસે પૂરપાટ જઇ રહેલું ટ્રેઇલર નખત્રાણાના નિષ્કલંકીધામથી પીરાણા તિર્થધામ જતા પદયાત્રીઓની સેવામાં સાથે રહેલા ટ્રેકટરની ટ્રોલીમાં અથડાતાં 5 લોકોની નાની મોટી ઇજાઓ પહોંચી હોવાની ઘટના લાકડિયા પોલીસ મથકે નોંધાઇ છે. આ અકસ્માતથી સામખિયાળી મોરબી હાઇવે પર ફરી એક વખત કલાકો સુધી ટ્રાફિક ખોરવાયો હતો.
નખત્રાણાના જીયાપર રહેતા યોગેશભાઇ ભવનલાલ પોકારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.9/3 ના રોજ તેમની જ્ઞાતિના 250 સ્ત્રી-પુરૂષનો પદયાત્રી સંઘ નખત્રાણા નિષ્કલંકીધામથી અમદાવાદ તી પીરાણા તિર્થધામ જવા નીકળ્યો હતો. આ સંઘ માટે ખાવા પીવાની સામગ્રી માટે ત્રણ ટ્રેક્ટર પણ સાથે હતા.
તા.15/3 ના રોજ સવારે સામખિયાળીથી નિકળ્યા બાદ કટારિયા નજીક ચમત્કારી હનુમાન મંદિર પાસે હાઇવે પર પરોઢે સાડા ચાર વાગ્યે સામખિયાળી તરફથી આવતું ટ્રેઇલર તેમના ટ્રેક્ટરની ટ્રોલીમાં અથડાતાં ટ્રોલી આડી પડી ગઇ હતી. ટ્રોલીમાં સવાર બે સ્વયંસેવકો સાવનભાઇશૈલેષભાઇ પોકાર અને મોનિક તુલસીદાસ પોકારને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી.
જ્યારે તેમને, પ્રફુલ્લભાઇ સામજીભાઇ પોકાર અને મહેશભાઇ નરશીભાઇ પોકારને ઓછી વતી ઇજાઓ પહોંચી હતી. તેમણે અકસ્માત સર્જનાર ટ્રેઇલર ચાલક વિરૂધ્ધ લાકડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અકસ્માતને પગલે રોડ બંધ થતાં કલાકો સુધી ટ્રાફીક જામ રહેતાં લોકો અકળાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.