આદિપુરના મુન્દ્રા સર્કલ થી બસ સ્ટેશન વચ્ચે પોતાના વાહન પર જઇ રહેલા વેપારીના ગળામાંથી રૂ.1.20 લાખની કિંમતની સોનાની ચેન ખેંચી તેમના વાહનને પગથી લાત મારી બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા ઇસમો ચીલ ઝડપને અંજામ આપી ભાગી ગયા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.
અંતરજાળના કપિલ મુનિ આશ્રમ પાછળ રાધે રેસિડેન્સીમાં રહેતા અને આદિપુરની એંસી બજારમાં ગાયત્રી પ્રોવિઝન સ્ટોર ચલાવતા 36 વર્ષીય નીકીભાઇ જશવંતભાઇ ઠક્કર ગત રાત્રે પોણા નવ વાગ્યે રાબેતા મુજબ દુકાન વધાવી પોતાના વાહન પર ઘરે જવા નિકળ્યા હતા. તેઓ મુન્દ્રા સર્કલથી થોડેક આગળ પહોંચ્યા ત્યારે અચાનક કોઇ ઇસમે તેમનું ગળું પકડ્યું હતું.
તેઓ પાછળ જોવા ગયા તો બીજા ઇસમે તેમના મોઢાના ભાગે ધક્કો માર્યો હતો. બાઇકમાં વચ્ચે સવાર ઇસમે તેમના ગળામાં પહેરેલી રૂ.1,20,000 ની કિંમતની 3 તોલાની સોનાની ચેન ખેંચી હતી. ત્યારબાદ બાઇક પર સવાર ત્રણે ઇલસમો તેમના વાહનને પગથી લાત મારી નાસી ગયા હતા. અંધારાને કારણે વધુ કંઇ જઇ શકાયું ન હતું. ગભરાયેલા આ યુવાન વેપારીએ પીછો કરવાની કોશિષ કરી હતી પરંતુ ત્રણે જણા અલોપ થઇ ગયા હતા.
આ ઘટનાની ફરિયાદ તેમણે આદિપુર પોલીસ મથકે કરતાં ત્રણ વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઇ એચ.એસ.તિવારીએ આ ઘટનાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે. આ પ્રકારની ચીલ ઝડપની ઘટનાઓ સંકુલમાં સમયાંતરે બને છે તેમાંયે અંધારૂં થયા બાદ જો તમે દાગીના પહેરીને નિકળો તો ધ્યાન રાખજો તમે પણ આ સમડીઓના શિકાર બની શકો છો તેવી ચર્ચા પણ સંભળાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.