કરચોરોમાં ફફડાટ:ગાંધીધામની બે પેઢીઓમાં બોગસ બિલીંગનો સ્ટેટ જીએસટી અને ATSની ટીમે કર્યો પર્દાફાશ

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજ્યના વિવિધ શહેરો સાથે ગાંધીધામ નજીક કાસેઝની કંપની સહિત ત્રણ સ્થળોએ કરાઈ છાનબીન
  • માય અને યશ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં કેટલી ટેક્સ ચોરી થઈ તેનો આંક મેળવવા તપાસનો ધમધમાટ

હાલમાં વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે એકતરફ ઇન્કમટેક્સ વિભાગે એકસાથે 32 સ્થળોએ દરોડા પાડ્યા છે ત્યારે આજે રાજ્યભરમાં જીએસટી વિભાગ અને એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, ત્યારે કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં સ્ટેટ જીએસટી અને એટીએસની ટીમ દ્વારા સંયુક્ત રીતે દરોડો પાડવામાં આવતા કરચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

વિશ્વસનીય સુત્રોએ માહિતી આપતા જણાવ્યું કે, સ્ટેટ જીએસટી વિભાગ અને એટીએસ દ્વારા શનિવારે સવારે ગાંધીધામ સંકુલમાં સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી. બંને એજન્સીઓને ગાંધીધામમાં બોગસ બિલિંગ થતું હોવાની ફરિયાદ મળી હતી.જેના આધારે અલગ અલગ ત્રણ ફર્મના માલિકોને ઉઠાવીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.જેમાં એક કંપની કાસેઝ સાથે સંકળાયેલી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

ત્રણેય ફર્મના માલિકોની પૂછપરછ બાદ સામે આવ્યું કે,માય એન્ટરપ્રાઇઝ અને યસ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં બોગસ બિલીંગ થયું છે.જેથી બંને પેઢીના માલિકોના નિવેદન લઈ અત્યારસુધી કેટલી ટેક્સ ચોરી થઈ છે તેમજ કોણ કોણ સંડોવાયેલું છે તે સહિતની વિગતો એકત્ર કરવા માટે તપાસ તજવીજ આગળ વધારવામાં આવી છે. કરચોરોને પેનલ્ટી પણ ફટકારવામાં આવશે જેની પણ તજવીજ થઈ રહી છે.સંકુલમાં પ્રથમ વખત સ્ટેટ જીએસટી વિભાગે એટીએસને સાથે રાખીને કરેલી કાર્યવાહીને પગલે કરચોરોમાં ભારે ફફડાટ મચી ગયો છે.

બોગસ દસ્તાવેજો બન્યા હોઈ આ પ્રકરણમાં એટીએસ તપાસમાં જોતરાઈ
સામાન્ય રીતે કરચોરીને લઈને જીએસટી વિભાગ દ્વારા રેડ કરવામાં આવતી હોય છે પણ આ વખતે એટીએસ પણ તપાસમાં જોડાઈ છે જેથી સંલગ્ન લોકોમાં એક સવાલ ચર્ચામાં છે કે,એટીએસ શુ કામ તપાસમાં જોતરાઈ છે ત્યારે સૂત્રોએ જણાવ્યું કે, બોગસ બિલીંગ કરવા માટે બોગસ દસ્તાવેજો બન્યા હશે જેથી સરકાર સાથે ઠગાઇ કરવામાં આવી હોઇ એટીએસ તપાસમાં જોડાઈ છે અને ગુનો પણ દાખલ થઈ શકે છે અલબત્ત એટીએસના જવાબદારોએ હાલ તુરંત કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો છે.

જીએસટી કોડ રદ કરવાની તજવીજ
યશ અને માય એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં બોગસ બિલીંગનો પર્દાફાશ થયો છે ત્યારે આ બંને પેઢીના જીએસટી કોડને રદ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.ટેક્સ ચોરીનો કુલ આંક બહાર આવ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ત્રીજી કંપનીના વ્યવહાર ચોખ્ખા જણાતા મુક્ત કરાઈ
જીએસટી અને એટીએસ દ્વારા કુલ ત્રણ પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં બે માં ગેરરીતિ જણાઈ આવી છે જ્યારે ત્રીજી પેઢીના હિસાબ-કિતાબ ચોખ્ખા જણાઈ આવતા નિવેદન લીધા બાદ તેને મુક્ત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...