ગાયોમાં સતત ફેલાઈ રહેલી આ બીમારીથી વચ્ચે સરકારી અને બીનસરકારી તમામ સંસ્થાઓ અને વેપારી વર્ગ ઉંધા માટે ગાયો માટે શું કરી શકાય તેના પ્રયાસોમાં રત દેખાઈ રહ્યા છે. ગાંધીધામ ચેમ્બરના અગ્રણીઓએ ફાળવાયેલી જમીની મુલાકાતને લઈને તાત્કાલિક અંતિમ વિધી માટે બહોળા પ્રમાણમાં મીઠાનો જથ્થો મોકલાવ્યો હતો.
દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ચેરમેન એસ.કે. મહેતાને પાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી, ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજાભાઈ કાનગડ, માવજીભાઈ સોરઠીયા, ભારત વિકાસ પરિષદના નીલેશ જૈન સહિતના અગ્રણીઓએ વર્તમાન ગૌ બિમારી અને તેના કારણે થઈ રહેલા મોત, તેમની અંતિમ વિધિમાં પડી રહેલી તકલીફો જેવી પરિસ્થિતિથી અવગત કરીને મૃત પશુઓની અંતિમ વીધી માટે જમીનની ફાળવવા ગંભીર રજુઆત કરી હતી.
જે અનુસંધાને ચેરમેનએ સ્થિતિની સંવેદનશીલતાને સમજીને આદેશ આપતા ડીપીએના ચીફ એન્જિનીયર વી. રવીંદ્ર રેડ્ડી, એ. શ્રીનીવાસ રાવ, રાજેશ ઈસરાણી, આ. એન્જિયનીયર (સીવીલ) એ કંડલા અને ગાંધીધામમાં ફરીને જમીનોનું સર્વેક્ષણ કરીને એવા સ્થળોને ચીહ્નીંત કર્યા હતા, જેનો ઉપયોગ કરી શકાય. નીલકંઠ ગૃપના આહીર સોલ્ટ દ્વારા આ ગંભીર બીમારીને અને દુર્ગધને ફેલાતી રોકી શકાય તે માટે અંતિમ વીધી દરમ્યાન ઉપયોગમાં લેવા મીઠાનો વિપુલ જથ્થો નિઃશુલ્ક આપવાની જાહેરાત કરી હતી.
ડીસી5 પાછળના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે પ્લોટ ફાળવાયો હતો, જેમાં પાલિકા દ્વારા ખાડા ખોદીને પહેલાજ દિવસે 30થી વધુ ગાયોના મૃતદેહોની અંતિમ વિધી કરાઈ હતી. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજા કાનગડ, મંત્રી મહેશ તીર્થાણી, ઉપપ્રમુખ આદીલ સેઠના સહિતની ટીમએ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિની જાણકારી મેળવીને જરૂરી મદદ કરવાની તૈયારી દર્શાવી હતી.
પાલિકાના ખાલી પડેલા પ્લોટ્સમાં માળખું ઉભું કરી સંસ્થાઓને સોંપો
ગાંધીધામ નગરપાલિકાના વિપક્ષના નેતા સમીપભાઈ જોશીએ સીઓ, પ્રમુખ અને કારોબારી ચેરમેનને પત્ર પાઠવીને જણાવ્યું કે સંકુલમાં ગૌવંશમાં ફેલાયેલી બીમારીથી હાહાકાર છે ત્યારે ગાંધીધામ નગરપાલિકા પાસેના ખુલ્લા પ્લોટ્સ જેમ કે સેક્ટર 10/સી, નેશનલ હાઈવે પર, ભારતનગર અને આદિપુર ખાતેના કબ્જાના ભોગવટા વાળા પ્લોટ્સમાં નંદીશાળા માટે શિણાય ડમ્પીંગ યાર્ડ પાસેની જમીનમાં તાત્કાલિક શેડ, પાણીના અવાડા, દિવાલનું બાંધકામ કરી આપવું જોઇએ. જે માટે અધિનિયમ કલમ 45 (ડી) હેઠળ પ્રમુખ પોતાની સતાઓ વાપરી શકે છે ત્યારે ગૌવંશની સેવા માટે જે કાંઈ કરવું પડે તે કરવું જોઇએ તે સમયની માંગ હોવાનું અને વિપક્ષ સહકાર આપશે તેવું જણાવ્યું હતું.
મીઠીરોહર ગૌશાળામાં રસીકરણ સાથે આઈસોલેશન સેન્ટર માટે સુચન કરાયું
મીઠીરોહરમાં આવેલી ગૌશાળામાં ઉપલબ્ધ સુવિધાઓને વર્તમાન સંજોગોમાં વધુ અપગ્રેડ કરવા માટે ચર્ચા વિચારણા કરી સુચન અપાયા હતા. ગ્રામપંચાયતના સરપંચ આઈચાબાઈ સિધિક સોઢા, જુમાભાઈ સિધિક સોઢા, ગાંધીધામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગનીભાઈ માંજોઠી, વેપારી અગ્રણી ભરત ગુપ્તા, અબ્દુલ હાજી સોઢા સહિતનાની સાથે સ્થળ પર ધસી જઈને વર્તમાન જરૂરીયાતો ચકાસી વધુ મદદ માટે તૈયારી દર્શાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.