તિવ્ર બ્લાસ્ટમાં 2ના મોત:અંજારમાં ભંગારના વાડામાં અચાનક વિસ્ફોટ થયો; કમ્પ્રેશરના ટુકડા રોડ સુધી ઉડતા સર્જાઈ દુર્ઘટના, કારણ અકબંધ

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંજારમાં મોડી સાંજના અરસામાં ભંગારના વાડામાં થયેલા વિસ્ફોટમાં બે માનવ જિંદગી કાળનો કોળિયો બની ગઈ હતી. વાડામાં કામ કરતા બે શ્રમિકો બબલુ ઉર્ફે વલીમામદ ભુરા રાઉમા,સુલતાન રાઉમા મોહરમને ગંભીર રીતે ઘવાયા બાદ સારવાર દરમિયાન દમ તોડી દેતાં આ બનાવ જીવલેણ બન્યો હતો. કમ્પ્રેશરના ટુકડા રોડ સુધી ઊડતા રાહદારી પણ ભોગ બન્યો હતો.

ત્રણ જેટલા શ્રમિકોને સામાન્ય ઈજા પહોંચી
અંજારના ચંપક જીનની બાજુમાં આવેલા ગનીભાઈના વાડાની બાજુમાં આ બનાવ આજે સાંજે છ વાગ્યાના અરસામાં બન્યો હતો. ઘટના સમયે વાડામાં પાંચથી છ શ્રમિક કામ કરતા હતા. અચાનક તીવ્ર વિસ્ફોટ થતાં આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આજુબાજુમાં ઉભેલા લોકો બનાવ સ્થળે પહોંચી ગયા હતા. વિસ્ફોટથી નજીકમાં જ કામ કરતા ત્રણેક જેટલા શ્રમિકોને પેટના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી.

લોકોએ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલ્યાં
​​​​​​​
એક ઈજાગ્રસ્તને તાત્કાલિક અંજારની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ તબીબે તાકીદની સારવાર માટે ભુજ જી. કે. જનરલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા. ઈજાગ્રસ્ત બબલુને ભુજ લઈ ગયા હતા, પરંતુ અડધા કલાકની સારવાર બાદ બબલુએ દમ તોડી દીધો હતો. રાપર તાલુકાના ચિત્રોડનો રહેવાસી સુલતાન રાઉમા મોહરમ જોવા અંજાર આવ્યો હતો. તે ભંગારના વાડા પાસેથી પસાર થયો ત્યારે જ ધડાકો થતાં કમ્પ્રેશરના ટુકડા રોડ ઉપર ઉડયા હતા. તેને અંજારની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ વધુ સારવાર મળે તે પૂર્વે જ તેણે દમ તોડી દીધો હતો. ભુજ જનરલ હોસ્પિટલ પોલીસ ચોકીએથી મળતી વિગતો મુજબ રાજસ્થાનના બાડમેરનો વતની હતભાગી શ્રમિક ફ્રીઝનું કમ્પ્રેશર તોડવાની કામગીરી કરતો હતો. આ દરમિયાન કોઈ પણ કારણોસર વિસ્ફોટ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...