ભાસ્કર ન્યૂઝ| છેલ્લા એક સપ્તાહથી બીમારીથી ગૌવંશના વધી રહેલા મૃતદેહો, તેના નિકાલની પ્રક્રિયા પર સવાલ અને સ્થાનિકોના વિરોધ વચ્ચે પાલિકાને પોર્ટે પ્લોટ ફાળવી દેવાતા તંત્રએ ત્યાં ધસી જઈને બાવળો હટાવીને જમીન ખુલી કરી ખાડા ખોદી તૈયાર કર્યા હતા, તેમજ નિયમાનુસાર મૃતદેહોના નિકાલ કરાતો હોવાનો દાવો પણ કર્યો હતો. ગાયોમાં મહામારીની જેમ વકરેલી લિમ્પિ બીમારીથી ટપોટપ ગૌવંશના મોત થઈ રહ્યા છે, હજી મહિના પહેલા સરેરાશ રોજના 15 મૃતદેહો આવતા હતા. તેની જગ્યાએ હવે 30 આસપાસ ગાયોના મોત થતા રોજ મૃતદેહોનો ખડકલો થઈ રહ્યો છે. આ વચ્ચે અગાઉ જે સ્થળ પર મૃતદેહોનો નિકાલ કરાતો હતો, ત્યાં સ્થાનિકોમા વિરોધનો સુર ઉઠવા પામ્યો અને દુર્ગધ સહિતના પ્રશ્નો ઉભા થતા એક દિવસ તો આ મૃત પશુ ઉપાડ પ્રક્રિયાજ બંધ રાખવાની પણ ફરજ પડી હતી. પરંતુ નગરપાલિકા દ્વારા દીનદયાલ પોર્ટ ઓથોરિટી સાથે ચર્ચા કરીને ડીસી5 પાછળ કિડાણા પાસેનો પ્લોટની ઓળખ કરતા હવે ત્યાં નિકાલની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે, ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડા, સેનેટરી ઈન્સ્પેક્ટર કમલ શર્મા, દબાણ શાખાના લોકેંદ્ર શર્મા, ગાયત્રીપ્રસાદ જોશી, કરણ ધુવા સ્થળ પર પહોંચીને ખાડા ખોદવાની પ્રક્રિયા શરૂ કરાવીને તેનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે મીઠુ નાખીને પ્રક્રિયા અનુસાર દરેક મૃત પશુઓનો નિકાલ કરાશે. નોંધવુ રહ્યું કે ગત રોજ સેક્ટર 5 વિસ્તારમાં ગાયોના મૃતદેહોને લઈ જતા ટ્રેક્ટરને સ્થાનિકોએ પકડીને પાલિકા કચેરીએ લઈ આવ્યા હતા. લોકોએ કહ્યું કે મેદાન પાછળ મૃતદેહોને પ્રક્રિયા દફન કર્યા વિના આડેધડ ફેંકી દેવાયા હતા, પરંતુ પાલિકા તેનો ઈંન્કારકરીને દિવસભરની દફન પ્રક્રિયા બપોર બાદજ થતી હોવાનું જણાવ્યું હતું. આ તમામ વચ્ચે નવી જગ્યા મળતા સળગતા પ્રશ્નનું સમાધાન આવ્યો હોવાનું હાલ તો લાગી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.