અંજાર આસપાસ આવેલી કંપનીઓમાં અવાર નવાર જીવલેણ અકસ્માતોની ઘટનાઓ બની રહી છે જેમાં ગઇકાલે મોરગર પાસે આવેલી મોનો સ્ટીલ કંપનીની ભઠ્ઠીમાંથી ઉડેલા લોખંડના ટુકડાઓએ કામ કરી રહેલા ઝારખંડના યુવાન કામદારનો જીવ લીધો હતો.
દુધઇ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, મુળ ઝારખંડનો હાલે મોરગર ખાતે આવેલી મોનો કોલોનીમા઼ રહેતો અને મોનો સ્ટીલ કંપનીમાં કામ કરતો 27 વર્ષીય મહમ્મદ બેલાલ અંસારી ગત બપોરે સાડા ત્રણ વાગ્યે કંપનીમાં કામ કરી રહ્યો હતો તે દરમીયાન અચાનક ભઠ્ઠીમાંથી લોખંડના સળગતા ટુકડાઓ ઉડી તેના માથામાં ટકરાતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઇજાગ્રસ્તને કંપનીના માણસો આદિપુર રામબાગ હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં તેનો જીવ ગયો હતો. ફરજ પરના તબીબે આ બાબતે દુધઇ પોલીસ મથકને જાણ કરતાં હાલ પોલીસે અકસ્માત મોત નોંધ્યો હતો. આ ઘટનામાં તપાસ પીએસઆઇ આર.જે.સિસોદિયા ચલાવી રહ્યા છે.
હાલ આ ઘટનાથી મૃતકના પરિવારમાં માતમ છવાયો હતો. અંજાર આસપાસ આવેલી કંપનીઓમાં જીવલેણ અકસ્માતોની વધી રહેલી ઘટનાઓ બાદ સેફ્ટી બાબતે તંત્ર કેમ કોઇ પગલાં ભરતું નથી એ તપાસનો વિષય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.