રાપરની રણ સરહદ પરથી વર્ષ-2018 માં પીલર નંબર 995 પાસેથી પકડાયેલા પાકિસ્તાની ઘૂસણખોરને ભચાઉની કોર્ટે 5 વર્ષની સાદી કેદની સજા તથા રૂ.5,000 નો દંડ ફટકાર્યો હતો. પાકિસ્તાનના સિંધના અલ્હર, ટંડો ગામનો 30 વર્ષિય જીવણ પ્રભુ વડેચા (કોલી) નામનો યુવક 16/09/2018ના રોજ પરોઢે 4 વાગ્યાના અરસામાં કુડા નજીક બોર્ડર પીલર નંબર 995 પાસે બીએસએફના જવાનોના હાથે ઝડપાયો હતો. પકડાયેલા જીવણ પાસેથી મોબાઈલ ફોન અને 1 રૂપિયાના દરની ૫૦ પાકિસ્તાની ચલણી નોટ, ઊર્દૂમાં લખેલી ધાર્મિક પત્રિકા તેમજ ઊર્દૂમાં લખેલું ઓળખપત્ર મળી આવ્યું હતું.
બોર્ડર સિક્યોરીટી ફોર્સે તેને ઝડપી પાડી બાલાસર પોલીસના હવાલે કરી દીધો હતો. બાલાસર પોલીસે જીવણ વિરુધ્ધ પાસપોર્ટ એક્ટ અને ફોરેનર્સ એક્ટની ધારાઓ તળે ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં આજે ભચાઉના બીજા અધિક સેશન્સ જજ પી.ટી. પટેલે જીવણને ફોરેનર્સ એક્ટની કલમ 14 A હેઠળ દોષી ઠેરવી પાંચ વર્ષની સાદી કેદ અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તો, ઈન્ડિયન પાસપોર્ટ રૂલ્સની કલમ ૩ના ભંગ બદલ ૩ માસની સાદી કેદ ફટકારી છે.આ કેસમાં સરકાર તરફે એડવોકેટ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ દલીલો કરીને તહોમત પૂરવાર કરી સજા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.