લમ્પી રોગ નો વ્યાપ કચ્છના પશુધન માં વધી રહ્યો છે ત્યારે કચ્છના પશુધન ને બચાવવા ચેમ્બરના હોદ્દેદારો, નગરપાલિકા, મામલતદાર, વેટરનરી ડોક્ટર્સ, આરએસએસ, ભારત વિકાસ પરિષદ, વિહિપના સ્વયં સેવકો, કામધેનુ ગૌ સેવા સમિતિ, ગૌ સેવા ગતિવિધી, અખિલ ભારતીય નવયુગ સંસ્થા, સેવા સાધના ટ્રસ્ટ સહિતનાની બેઠક મળી હતી.
ચેમ્બર પ્રમુખ તેજા કાનગડે જણાવ્યું કે સહિયારા પ્રયાસોના ભાગ સ્વરૂપે સ્વસ્થ અને રોગ ગ્રસ્ત પશુ ધન ને અલગ તારવી, વિસ્તાર અનુસાર યુદ્ધ ના ધોરણે કાર્ય ઉપાડવાની આવશ્યકતા છે. દિન દયાળ પોર્ટ ઓથોરિટી પાસે 3 જેટલી જગ્યાઓ પસંદ કરેલ છે,જ્યાં રોગગ્રસ્ત પશુઓની મદદ કરી શકાશે.
દરેકે એકસુરે રામલીલા મેદાન, દાદા ભગવાન મેદાન, કે સૂચિત અન્ય જગ્યાઓ પર તાત્કાલિક સફાઈ અભિયાન ચલાવી ટેમ્પરરી કે પાકા શેડ ઉભા કરી પૂરતા ખોરાક-પાણી ની વ્યવસ્થા સાથે રસીકરણ અને દવા તેમજ આયુર્વેદિક કાઢા નો જથ્થો ઉપલબ્ધ કરાવવા પર ભાર વ્યક્ત કરાયો હતો. તો આ માટે માંગો તેટલા સ્વયં સેવકો કે વેટરનીટી ડોક્ટર્સ ની ટીમ મળી રહેશે તેવી ખાતરી પણ ઉચ્ચારાઈ હતી.
મંત્રી મહેશ તીર્થાણીએ જણાવેલ કે, ચેમ્બર દ્વારા ખાસ સંકટ નિવારણ સમિતિ ની રચના કરવામાં આવેલ છે. અગ્રણીઓ મહેશ પોદાર તેમજ વિક્રમ ગ્લાસ ના રાજુભાઈ શાહ દ્વારા અનુદાન જાહેર થયેલ. ગૌ પ્રેમી અને ખેડૂત નારાણભાઈ બકુત્રા એ ગળપાદર પાસે જ્યાં સુધી આ રોગ નાબુદ ના થાય ત્યાં સુધી તેમની બે એકર જમીન પશુઓ ની સારવાર માટે આપવા ની તત્પરતા દર્શાવી હતી.
પાલિકા પ્રમુખ ઈશીતાબેન ટીલવાણી એ પશુધન માટે જે પણ સગવડતા આપી શકાશે તે માટે વ્યવસ્થા ગોઠવવા, મામલતદાર મેહુલ ડાભાણી એ પણ સરકાર આ બાબતે સંવેદનશીલ હોઈ સતત બેઠકો યોજી નિર્ણયો કરાઈ રહ્યાનું જણાવ્યું હતું. ગાંધીધામ સ્થિત વેટરનરી ડોક્ટર હાર્દિક શર્મા એ જણાવેલ કે, પશુ ની તાસીર મુજબ નો સ્કીન નો રોગ છે જે અન્દર-બહાર બેઉ તરફ ફેલાય છે.
વધુ પડતા કેસો સ્કીન થી પ્રસરતા છે જયારે મહદ અંશે અન્દર ની તરફ ફેલાઈ ચુકેલ હોય તેને બચાવવા મુશ્કેલ થઇ શકે છે. સહુના પ્રયત્નો એવા હોય કે પશુ ખાતું-પીતું રહે તો તેનું શરીર વાયરસ સામે લડતું રહેશે. બેઠકમાં વિવિધ સંસ્થા, આગેવાનો, સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.