ચોર મચાયે શોર:ગાંધીધામની વચલી બજારમાં તસ્કરોનું સામુહિક આક્રમણ

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોરી કરવા પ્રવેશેલા ઇસમો સીસી ટીવી કેમેરામાં કેદ થયા : રોકડ તેમજ કપડા લઇ ગયા : વેપારી ત્રસ્ત, પોલીસમાં દોડધામ
  • 6 દુકાનોમાંથી તસ્કરો 98 હજારની મત્તા ઉસેડી ગયા

ગાંધીધામ સંકુલમાં તસ્કરોએ વચલી બજારમાં સામુહિક આક્રમણ કરી 6 દુકાનોમાંથી રૂ.98 હજારની માલમત્તાની ચોરીને અંજામ આપી કહેર જારી રાખ્યો છે, આ ઘટનાથી વેપારીઓ ત્રસ્ત થયા છે જ્યારે પોલીસે સીસી ટીવી કેમેરાના ફૂટેજના આધારે આ તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ભચાઉના રહેવાસી અને ગાંધીધામની મુખ્ય બજારમાં જીની એન્ડ જોની રેડીમેઇડ કપડાની દુકાન ધરાવતા જયેશભાઇ દિનેશભાઇ રાજગોરે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ, તેઓ તથા અન્ય વેપારીઓ અનિલભા કરશનભા ગઢવી, ગોપાલભાઇ પરિમલ ખુશવાણી, દિપકભાઇ ભચુભાઇ પ્રજાપતિ, નરેશભાઇ નાથુરમલ ચંદનાની અને સંતોષભાઇ ત્રિકમદાસ સોનિયા સવારે 10 વાગ્યે દુકાન ખોલીએ અને રાત્રે 9 વાગ્યાના અરસામાં દુકાનો બંધ કરીએ છીએ. તા.2/9 ના રોજ રાત્રે બધા દુકાન બંધ કરી ઘરે ગયા બાદ આજે સવારે દુકાને આવ્યા.

ત્યારે તેમની દુકાનના કાઉન્ટરમાં રાખેલો આગલા દિવસનો રૂ.22,000 નો વકરો તેમજ રૂ.50,000 ની કિંમતની 50 પેન્ટ, અનિલભા કરશનભા ગઢવીની ઉમેશ ટેક્ષટાઇલ્સના કાઉન્ટરમાંથી રૂ.18,000 રોકડ અને રૂ.500 ની કિંમતની 3 સાડીઓ, ગોપાલભાઇ પરિમલ ખુશવાણીની શૂઝની દુકાનમાંથી રૂ.1,250 રોકડ, દિપકભાઇ ભચુભાઇ પ્રજાપતિની દુકાનમાંથી રૂ.1,500 રોકડ, નરેશભાઇ નાથુરમલ ચંદનાનીની દુકાનમાંથી રૂ.2,800 રોકડ અને સંતોષભાઇ ત્રિકમદાસ સોનિયાની દુકાનમાંથી રૂ.1,000 રોકડ તથા રૂ.1,000 ની કિિંમતની 7 જીન્સ પેન્ટ મળી આ પાંચે દુકાનમાં દરવાજો તોડી ઘૂસેલા તસ્કરોએ રૂ.98,050 ની ચોરીને અંજામ આપ્યો હોવાનો ખ્યાલ આવતાં વેપારી એસોશીયેસનના પ્રમુખ રાજુભાઇને જાણ કરી આ બાબતે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

હરામખોરો સીસી ટીવી કેમેરામાં આબાદ કેદ થયા
ગાંધીધામની મુખ્ય બજારમાં આવેલી 6 દુકાનના દરવાજા તોડી ઘુસેલા તસ્કરોએ સામુહિક આક્રમણ કરી ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટનામાં દુકાનોમાં લાગેલા સીસી ટીવી કેમેરામાં આબાદ કેદ થયેલા તસ્કરોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ પેટ્રોલીંગ વધારે, હજી જુની ચોરીનો ભેદ નથી ઉકેલાયો : વેપારી એસોસિએશન
ગાંધીધામ વેપારી એસોસીએશનના પ્રમુખ રાજુ ચંદનાનીએ જણાવ્યું કે બે મહિના અગાઉ મુખ્ય માર્કેટમાં થયેલી ચોરીની ઘટનાઓનો ભેદ હજી ઉકેલાયો નથી. પરંતુ ત્યારબાદ પોલીસની પેટ્રોલીંગમાં વધારો કરાયો છે, હજી રાત અને દિવસે પણ પોલીસ પેટ્રોલીંગ વધારે તેવી લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે અમે પોલીસ સમક્ષ રજુઆત કરી છે, તેમણે ટુંક સમયમાં આ ઘટનાનો ભેદ ઉકેલશુ તેવી ખાત્રી આપી છે.

અન્ય સમાચારો પણ છે...