ધરપકડ:આદિપુરમાંથી 56 સિટર સ્ટાફ બસ ચોરી કરનાર એક પકડાયો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તા.1/3 ના મધરાત્રે જનતા પેટ્રોલપમ્પ પાસેથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
  • પડાણાના વાડામાંથી 11 લાખની બસ અને 40 લીટર ડિઝલ કબજે કરાયું

આદિપુરના જનતા પેટ્રોલપમ્પ પાસે પાર્ક કરવામાં આવેલી કંપનીમાં ચાલતી રૂ.11 લાખની 56 સિટર બસની ચોરી કરનાર 1 જણાને સ્થાનિક પોલીસે પડાણાના વાડામાંથી પકડી બસ અને 40 લીટર ડીઝલ કબજે કરી ભેદ ઉકેલી લીધો હતો.

આદિપુરના પીએસઆઇ બી.વી.ચુડાસમાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,આદિપુરના જનતા પેટ્રોલપમ્પ પાસે પાર્ક કરેલી મીઠીરોહર મધ્યે આવેલી શ્રી રામ પાવર એન્ડ સ્ટીલ ઇન્ડ્રસ્ટ્રીઝ લિ. કંપનીમાં છેલ્લા ચાર વર્ષથી સ્ટાફ બસ તરીકે ચાલતી રૂ.11 લાખની કિંમતની 56 સીટર સ્ટાફ બસ ચોરી થઇ હોવાની ફરિયાદ તા.1/3 ના રોજ અંજાર રહેતા કોન્ટ્રાક્ટર જયવીરભાઇ જયજિત મકવાણાએ નોંધાવેલી , આ ફરિયાદ નોંધાયા બાદ આ ગુનાનો ભેદ ઉકેલવા સતત વોચમાં હતા તે દરમિયાન પેટ્રોલિંગ દરમિયાન તેમને મળેલી ચોક્કસ બાતમી મળી હતી કે, વશરામ કોલીએ આ બસ ચોરી કરી છે.

અને બસ પડાણાના રામદેવપીર મંદિર સામે વિજયભાઇ દેવીપુજકના વાડામાં રાખી છે. આ બાતમીના આધારે ત્યાં દરોડો પાડી ચોરી થયેલી રૂ.11,00,000 ની કિંમતની બસ અને રૂ.2000 ની કિંમતના 40 લીટર ડીઝલ સાથે પડાણા રહેતા વિજયભાઇ નરશીભાઇ દેવીપુજકને પકડી લઇ આ બસ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો જોકે આ બસ ચોરી કરનાર ભચાઉની હાજીયા વાંઢનો વશરામ ઉર્ફે વસીયો છગનભાઇ કોલીને હજી પકડવાનો બાકી હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ કામગીરીમાં પીએસઆઇ ચુડાસમા સાથે એએસઆઇ ભુપતસિંહ જાડેજા, સંગીતાબેન સાલીયા, હેડકોન્સ્ટેબલ વનરાજસિંહ દેવલ,ધર્મેન્દ્રસિંહ સોઢા, રાજુ મકવાણા, ભરત કાનગડ, દિનેશ પરમાર, વિક્રમસિંહ હડિયોલ, નાનજી ચાવડા, કોન્સ્ટેબલ હરદેવસિંહ ચુડાસમા, મહેશ ઘોઘોળ, ભરત ગવારિયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...