કંડલામાં શ્રમિક રાહદારીને અજાણ્યા વાહને સોમવારે ટક્કર મારતા મોત નિપજ્યું હતું તો ત્રણ મહિના જુના અકસ્માતની ઘટનામાં ફરિયાદ પણ દાખલ કરાઈ હતી, ગાંધીધામના બસ સ્ટૅશન અને રેલવે સ્ટૅશન પાસેથી અજાણ્યા પુરુષના મૃતદેહ મળી આવ્યા હતા.
કંડલા મરીન પોલીસ મથકે ધર્મેંદ્રસિંહ ભારતસિંહ ગુર્જરે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરાવતા જણાવ્યું કે તા.01/08ના સાંજના અરસામાં ફ્રેન્ડ્સ સોલ્ટ પાસેની લેબર કોલોનીમાં રહેતા મુળ મધ્યપ્રદેશના 42 વર્ષીય નારાયણ ઓમપ્રકાશ પ્રજાપતીએ કે.કે. જંકશન રોડ વચ્ચે કંડલા મધ્યે જતા રોડ પર સામાન લઈને જતા હતા ત્યારે કોઇ અજાણ્યા વાહને પોતાના કબ્જાનું વાહન ગફલત રીતે ચલાવીને તેમની છાતી,પેટ અને મોઢાના ભાગે ચડાઈને મોત નિપજાવ્યું હતું. તો ગત 20/06ના ગળપાદર ઓવરબ્રીજ પાસે થયેલા અકસ્માતની ફરિયાદ હવે ગાંધીધામના એ ડિવિઝન પોલીસ મથકે ચડી હતી.
જેમાં કરશનભાઈ ડાયાભાઈ ડાંગરે ફરિયાદ દાખલ કરતા જણાવ્યું રિયાજુદીન તસરુદીન મન્સુરી (ઉ.વ.49) (રહે. મીરા એન્ટરપ્રાઈઝ, પડાણા, મુળ યુપી) એ પોતાના કબ્જાનું વાહન ગફલત રીતે ચલાવીને આગળ જતા કોઇ અજાણ્યા વાહનની પાછળ ટક્કર મારતા, પોતાના બન્ને પગ અને માથામાં ગંભીર ઈજાથી મોત નિપજ્યું હતું.
ગાંધીધામના બી ડિવિઝન પોલીસ મથકે થયેલી અકસ્માત મોતની નોંધમાં જણાવાયું કે બસ સ્ટૅશન પાસેથી અંદાજે 55 વર્ષના લાગતા વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ મારફતે રામબાગ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જેને છાતીમાં દુખાવો થયાનું સ્ટાફે જણાવ્યું હતું. ફરજ પરના તબીબે તેનું મરણ નિપજ્યાનું જાહેર કર્યું હતુંં, તો ગાંધીધામ રેલવે સ્ટેશન પાસેથી અંદાજે 50 વર્ષના લાગતા ભીક્ષુક જેવા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.