પૂર્વ કચ્છમાં અપમૃત્યુ અને અકસ્માતની ઘટનામાં ત્રણ માનવ જીંદગીનો અંત આવ્યો હતો, જેમાં ભારાપરના અમરસુખ ગોદામમાં પતરા લગાવી રહેલા બે કામદાર ઘોડો પડતાં નીચે પટકાયા હતા જેમાં 1 કામદારનું મોત નિપજ્યું હતું, તો એકાને ઇજાઓ પહોંચી હતી. તો જુની સુંદરપુરીમાં પરિણીતાએ અકળ કારણોસર ગળે ફાંસો ખાઇ લઇ અંતિમ પગલું ભરી લીધું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. અંજારમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.
કંડલા મરિન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ , ભારાપરમાં આવેલા અમરસુખ ગોદામમાં મંગળવારે બપોરે 45 વર્ષીય રામઆશિષ ચતર યાદવ અને 40 વર્ષીય અમરશ્રી રામ શર્મા ગોદામના દરવાજા પાસે ઘોડા ઉપર ચડી પતરા લગાવવાનું કામ કરી રહ્યા હતા ત્યારે પવનના કારણે દરવાજો ખુલતાં બન્ને કામદાર ઘોડા ઉપરથી નીચે પટકાનયા હતા, જેમાં 40 વર્ષીય અમરશ્રી રામ શર્માનું ગંભીર ઇજાઓને કારણે મોત નિપજ્યું હતું, તો રામઆશિષને ગાંધીધામની સ્ટર્લિંગ હોટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. આ બન્નેને લઇ આવનાર હિતેનભાઇએ આપેલી વિગતોન જાણ ફરજ પરના તબીબે કંડલા મરિન પોલીસ મથકને કરતાં પીએસઆઇ એ.એન.ગોહિલએ વધુ તપાસ હાથ ધરી છે.
તો જુની સુંદરપુરીના મળદપીર ફળિયામાં રહેતા 40 વર્ષીય પરિણીતા દેવલબેન તેજપાલ માતંગે મંગળવારે સવારે 10 વાગ્યાના અરસામાં પોતાના ઘરે અગમ્ય કારણોસર લાકડાની આડમાં સાડી બાંધી ગળે ફાંસો ખાઇ અંતિમ પગલું ભરી લીધું હોવાનું તેમનો મૃતદેહ લઇ આવનાર મુકેશ દેવજીભાઇ નિંઝારે રામબાગ હોસ્પિટલના તબીબને જણાવતાં પીએસઆઇ પી.સી.મોલિયાએ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. મૃતક પરિણીતાનો લગ્ન ગાળો 12 વર્ષનો હોવાનું જણાવ્યું હતું.
અંજારના દેવળિયા નાકે બગીચામાં અજ્ઞાત યુવકનો મૃતદેહ મળ્યો
અંજારના દેવળિયા નાકે આવેલા નગરપાલિકાના બગીચામાંથી મંગળવારે સવારે 40 વર્ષીય લાગતા અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ લઇ આવનાર 60 વર્ષીય છગનભાઇ ટપુભાઇ પરમારે અંજાર સીએચસીના તબીબને આપેલી વિગતોની અંજાર પોલીસ મથકને જાણ કરાતાં પીએસઆઇ બી.જી.ડાંગરે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.