નેત્રમની કામગીરી રાજ્યમાં મોખરે:ગાંધીધામના માર્ગો પર સીસીટીવી કેમેરા લાગ્યાના 3 વર્ષમાં 1.59 કરોડનો દંડ વસુલાયો

ગાંધીધામ24 દિવસ પહેલાલેખક: અર્પણ અંતાણી
  • કૉપી લિંક
  • નેત્રમ કમાન્ડ કન્ટ્રોલ દ્વારા ગાંધીધામમાં નેત્રમની નેત્રદિપક કામગીરી છતાં લોકો કરે છે નિયમન ભંગ
  • કાળી ફિલ્મથી કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનોના ચાલકો સામે કડક રૂખ અખત્યાર કરવાની જરૂર

ગાંધીધામમાં નેત્ર કમાન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા તા.1/7/2019 થી તા.31/8/2022 સુધીના ત્રણ વર્ષ દરમિયાન 1,16,541 વાહનોને ઇ-ચલણ આપી અત્યાર સુધી કુલ રૂ.1,59,36,000 નો દંડ વસૂલી ગુજરાતમાં પ્રથમ નંબર મેળવી ખરેખર નેત્રમે નેત્રદિપક કામગીરી કરી છે. પરંતુ તેમ છતાં ઘણા વાહન ચાલકો કાળી ફીલ્મ લગાવી, નંબર પ્લેટ વગરના વાહનો ચલાવી ટ્રાફિક નિયમનનો ભંગ કરી રહ્યા છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં હાઇ ડેફિનેશન કેમેરા લાગેલા
વિશ્વાસ પ્રોજેક્ટના નોડલ ઓફિસર ડીવાયએસપી વી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ ચાલતા નેત્રમ કમાન્ડ કંટ્રોલના પીએસઆઇ જે.જી.રાજે વિગતો આપતાં જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ટ્રાફીક નિયમન સુચારૂ રૂપે કરવા શહેરના વિવિધ વિસ્તારોમાં હાઇ ડેફિનેશન કેમેરા લાગેલા છે અને આ કેમેરાની મદદથી કંટ્રોલરૂમમાં નિયમોનો ભંગ કરતા લોકો કેદ થાય છે તેમને ઇ-ચલણ મોકલાય છે.

25,937 ચાલકોને ઇ ચલણ મોકલી દંડ વસૂલ્યો ​​​​​​​
ત્રણ વર્ષ દરમિયાન નેત્રમ દ્વારા સીટ બેલ્ટ ન બાંધનાર 12,826 ચાલકો, કાળી ફીલ્મ લગાવનાર 2,264, રોંગ સાઇડ વાહન દોડાવતા 27,174 ચાલકો,174 ચાલકો, જોખમી યુ-ટર્ન લેતા 205 ચાલકો, નો-પાર્કિંગમાં પાર્કિંગ કરતા 459 ચાલકો, જોખમી ડ્રાઇવિંગ કરતા 3,337 ચાલકો, ત્રીપલ સીટ ચલાવતા 20,269 ચાલકો, ચાલુ ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ પર વાત કરતા 25,937 ચાલકોને ઇ ચલણ મોકલી દંડ વસૂલ્યો હતો. આખા ગુજરાત રાજ્યમાં ગાંધીધામ નેત્રમની કામગીરીને કારણે પ્રથમ નંબર મેળવ્યો હતો અને રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાના હસ્તે પ્રમાણપત્ર પણ એનાયત કરાયું હતું.

નેત્રમ આરોપીઓને પકડવામાં મદદરુપ બન્યું
​​​​​​​ટ્રાફીક નીયમન ઉપરાંત ઘરફોડ ચોરી, અપહરણ, વાહન ચોરી જેવા ગુનામાં પણ નેત્રમ આરોપીઓને પકડવામાં મદદરુપ બન્યું છે. જો કે આવી નેત્રદિપક કામગીરી થતી હોવા છતાં અનેક લોકો સરેઆમ કાળી ફીલ્મ લગાવી , ફેન્સી નંબર પ્લેટ લગાવી તેમજ નંબર પ્લેટ વગરના વાહનો દોડાવી નિયમનનો ભંગ કરી રહ્યા હોવાની પણ ફરિયાદ ઉઠી રહી છે.

3 વર્ષમાં 25 ગુનાનો ભેદ ઉકેલવામાં નેત્રમ મદદરૂપ બન્યું
નેત્રમ કમાન્ડ સેન્ટરના પીએસઆઇ રાજે જણાવ્યું હતું કે, નેત્રમ કંટ્રોલરુમના સીસી ટીવી કેમેરાની મદદથી ઘરફોડ ચોરીના 6, લૂંટ અને ચીલઝડપના 7, અકસ્માત અને હિટ એન્ડ રનના 12, અપહરણ અને ગૂમ થયેલી વ્યક્તીના 7, મારામારીના 7, વાહન ચોરીના 12 અને કોવિડ-19 જાહેરનામા ભંગના 97 મળી કુલ 147 જેટલા ગંભીર ગુનાઓના ભેદ ઉકેલવામાં નેત્રમ મદદરૂપ બન્યું છે.

ફેન્સી નંબર પ્લેટ લગાવી અને નંબરપ્લેટ વગર દોડતા વાહનોના ચાલક સામે કડક કાર્યવાહી જરૂરી
આદિપુરના વેપારી શંકરભાઇ ખેમચંદાણીએ પોતાની સાથે બનેલી ઘટના વર્ણવતા જણાવ્યું હતું કે, તેઓ નજીકના સબંધીને ત્યાં લૌકીક વ્યવહાર માટે બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે આગળ ત્રીપલ સવારીમાં નંબર પ્લેટ પર પોલીસ લખેલી બાઇક પર આડા અવળા જઇ રહેલા ઇસમોને સરખી રીતે વાહન ચલાવવા કહ્યું તો તારે માર ખાવી છે ? કહી ઉદ્યત જવાબો આપી ધાક ધમકી કરી ચાલ્યા ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય લોકોના ઘરે ત્રીપલ સીટ માટે કે સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તેના મેમો પહોંચી આવે છે તો શું આવા સરાજાહેર નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકો નેત્રમના કેમેરામાં કેદ નહીં થતા હોય ?

હવે આ મહત્વના વિસ્તારમાં પણ સીસીટીવી લાગશે
ગાંધીધામ સંકુલના મોટા ભાગના વિસ્તારોમાં નેત્રમના હાઇડેફિનેશન સીસી ટીવી કેમેરા લાગી ચૂક્યા છે હવે ગા઼ધીધામના અને આદિપુરના રામબાગ હોસ્પિટલ, જુમ્માપીર ફાટક કે જ્યાં અવાર નવાર હિટ એન્ડ રનના બનાવો બને છે, કોલેજ સર્કલ અને બસ સ્ટેશન વિસ્તારમાં પણ ટૈક સમયમાં સીસી ટીવી કેમેરા લાગી જશે તેમ પીએસઆઇ જે.જી.રાજે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...