તપાસ:પલાંસવામાં ટ્રેક્ટરના હળ અને પેટી વચ્ચે દબાતાં ખેડૂતનું મોત

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં ટીબીની બિમારીમાં યુવાને દમ તોડ્યો

રાપર તાલુકાના પલાંસવાની વાડીમાં ટ્રેક્ટર ચલાવી રહેલા પ્રૌઢ ખેડૂતનું ટ્રેક્ટરના હળ અને પેટી વચ્ચે દબાઇ જવાને કારણે મોત નિપજ્યું હોવાની, તો ગાંધીધામમાં ટીબીની જુની બિમારીની સારવાર લઇ રહેલા યુવાને દમ તોડ્યો હોવાની, ઉપરાંત રાપરમાં અગમ્ય કારણોસર પરિણિતાએ ગળે ફાંસો ખાઇ લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ હતી.

રાપર તાલુકાના પલાંસવા ગામે રહેતા 50 વર્ષીય સામતભાઇ બાબુભાઇ પરમાર પલાંસવા હોસ્પિટલ સામે આવેલી વાડીમાં બુધવારે બપોરે ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા તે દરમિયાન તેઓ ટ્રેક્ટરનું હળ (લોટ્રી) ચેક કરવા ગયા ત્યારે જ હળ ઉંચું થઇ જતાં તેઓ હળ અને પેટી વચ્ચે દબાઇ જતાં ગંભીર ઇજાઓને કારણે મોત નિપજ્યું હોવાનું તેમને લઇ આવનાર ડાહ્યાભાઇ બાબુભાઇ પરમારે પલાંસવા સીએચસીના તબીબને વિગત આપતાં તબીબે આડેસર પોલીસને આ બાબતે જાણ કરી હતી. પીએસઆઇ બી.જી.રાવલે વધુ તપાસ હાથ ધરી છે.

તો રાપરની મામલતદાર કચેરી પાસે રહેતા 20 વર્ષીય દયાબેન જેઠાભાઇ ગોહિલે ગત સાંજે 4 વાગ્યે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ લીધા બાદ અમરાભાઇ હરખાભાઇ ગોહિલ તરત જ તેમને રાપરની હોસ્પિટલ લઇ આવ્યા હતા જ્યાં હાલ તેમની સારવાર ચાલુ હોવાનું જણાવ્યું હતું. કયા કારણોસર તેમને આ પ્રયાસ કર્યો તે બાબતે ભચાઉ વિભાગના ડીવાયએસપી તપાસ કરી રહ્યા છે.

તો મુળ મીઠીરોહરના હાલે અપનાઘર આશ્રમમાં રહેતા 42 વર્ષીય રાજેશ પ્રભુજીની રામબાગ હોસ્પિટલ ખાતે જુની ટીબીની બીમારીની સારવાર ચાલુ હતી તે દરમિયાન તેણે દમ તોડ્યો હોવાનું તબીબે બી-ડિવિઝન પોલીસને જણાવત પીએસઆઇ ડી.જી. ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...