મુળથી વર્તમાન સુધીની ગાથા:વિભાજનની પીડા માંથી જન્મેલું એ શહેર, જેમાં વિશ્વની પ્રાચીન સંસ્કૃતિ ધબકે છે..

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામની સ્થાપનાને 75 વર્ષ પુર્ણ થવાના અવસર પર વિશેષ પ્રસ્તુતિ

આગામી 12મી ફેબ્રુઆરી, 2023ના મારી સ્થાપનાને 75 વર્ષ પૂર્ણ થશે. અમૃત કાળમાં મારા પ્રવેશની આ ઐતિહાસીક વેળાએ ક્યાંથી આવ્યા અને કઈ દિશામાં આગળ વધી રહ્યા છીએ તે દિશામાં ડોકિયું કરવું ખુબ જરૂરી લાગે છે. ગુજરાતના ટોંચના દસ અગ્રગણ્ય શહેરોમાં સ્થાન પામનાર હું ગાંધીધામ છું. મારો જન્મ દેશના વિભાજનની ની પીડાથી થયો, માતા પાસેથી બાળકને ઝુંટવી લેવાથી બાળકમાં ઉદભવતી દારુણ પીડા અને દુઃખને શું કોઇ શબ્દો કહેવા માટે સક્ષમ છે? તે તો માત્ર અનુભવી શકાય.

તેમાંથી ઉપર ઉઠી આજે મારી આગોશમાં આખી દુનિયા સાથે આંખો થી આંખો મિલાવીને વેપાર, વાટાઘાટો કરતા વેપારીઓ, ઉધોગપતિઓ અને અગ્રણીઓ છે જેનો મને ગર્વ છે. પણ અતિતના એ ઉઝરડાઓ હજી સ્મૃતિપટલથી ભુંસાતા નથી. આજના પાકિસ્તાનમાં આવેલા કરાંચી, હૈદરાબાદ અને સિંધના આખા વિસ્તારમાંથી દેશના ભાગલાના વાવડ ફેલાતાજ કટ્ટરવાદી તત્વોએ કરેલા જાનલેવા હુમલાઓ, જે મળ્યું તે હાથમાં લઈને જહાજ કે ટ્રેનને મેળવી, ગમે તેમ ભારત પહોંચવાની એ જદોજહતમાંથી કેટલા પરિવારો પસાર થયા. પોતાની માતા, બહેન, પત્ની, બાળકો સાથે કોઇ અંધકારમય ભવિષ્ય તરફ માત્ર જાન બચાવવા હજારો સિંધી હિંદુ અને અન્યોની એ દોટ.. ભુલી શકાય તેમ નથી.

સિંધ થી ગાંધીધામ સુધીની આ સફરનો કારક આ એક કરુણ પડાવ છે. જેની બંને તરફના શરૂઆત અને આજનો અંત આશા, ખુશીઓ થી ભરેલો છે. હું ગાંધીધામ એક શહેર માત્ર નથી, એક સંસ્કૃતિ છુ. જેના સીધા તાર વિશ્વની સૌથી પ્રાચીન સિંધુ ઘાટી સભ્યતા સાથે જોડાયેલા છે. તો આવો, તે કરુણ પડાવ પહેલા હું તે સંસ્કૃતિની ઉત્પતિ અને સમૃદ્ધ મુળીયાઓની વાતથી શરૂઆત કરુ.. હિમાલયના તિબેટ ક્ષેત્રમાં આવેલા કૈલાસ પર્વત નજીકના ગ્લેસીલયરથી પીગળતી ધારાઓથી જન્મતી સિંધુ નદી ચીનથી વહીને, ભારત થઇને આજના પાકિસ્તાનના હૈદરાબાદ થઈને કરાંચીથી અરબ સમુદ્રમાં મળે છે.

સિંધુ' રાજ્યનો ઉલ્લેખ મહાભારત અને પુરાણમાં પણ મળે
આ નદી આસપાસના મેદાનોમાં આજથી અંદાજે 7 થી 10 હજાર વર્ષ પહેલા વિકસેલી સભ્યતાને સિંધુ ઘાટીની સભ્યતા કહેવાઈ, "સિંધુ' રાજ્યનો ઉલ્લેખ મહાભારત અને પુરાણમાં પણ મળે છે. ખોદકામ થતા હડપ્પન ગામ, કચ્છનું જાણીતું ધોળાવીરા અને છેલ્લે થયેલા ઉત્ખનન માં હડપ્પન સંસ્કૃતિની સૌથી મોટી સાઈટ હરિયાણાની રાખીગઢી સહિત 2 હજાર જેટલા સ્થળો આ સભ્યતાની પ્રફુલીતતા અને જીવંતતાના પ્રત્યક્ષ પ્રમાણ જોવા મળે છે. સંસ્કૃત શબ્દ "સિંધુ' શબ્દનો અર્થજ ઘણુ બધુ પાણી, દરિયો કે નદી થાય છે.

જુની ઈરાની બોલીના ઉચ્ચારમાં "સ' એ "હ' તરીકે થતો હોવાથી પર્શિયન વેપારીઓએ "સિંધુ' ની જગ્યાએ અહી કે નદીને પાર રહેતા લોકો માટે "હિંદુ' બોલવાની શરૂઆત કરી, જે આગળ જઈને દેશના નામ હિન્દુસ્તાન તરીકે પણ સામે આવ્યું. પર્શિયન રાજ્યથી આ શબ્દ ગ્રીક સુધી આગળ પહોંચ્યો તો ત્યાં રોમન્સ દ્વારા અપ્રભંશ થઈને "ઇન્ડુસ' શબ્દ બન્યો. જ્યાંથી નદી માટે 'ઈન્ડસ' અને દેશ માટે "ઈન્ડિયા' શબ્દ આવ્યો. સિંધુના કિનારે વિકસેલી સંસ્કૃતિ અને લોકોમાંથી શબ્દ આવ્યો "સિંધી'. જેઓ અખંડ ભારતના ભાગલાથી પાકિસ્તાનના હાલમાં પણ ચાર પ્રાંતમાં એક એવા સિંધ પ્રાંતમાં વસવાટ કરતા હતા.

હિન્દુ સિંધી પોતાના હજારો વર્ષ જૂના ઈતિહાસ
​​​​​​​મહાનદી અને દરિયો બન્ને પાસે હોવાથી સમયકાળે તેમણે પોર્ટ ગતિવીધી, આંતરરાષ્ટ્રીય વેપારમાં નિપુણતા મેળવી હતી. પરંતુ દેશના ભાગલા થવાનું નિર્ધારીત થતા હિન્દુ સિંધી પોતાના હજારો વર્ષ જૂના ઈતિહાસ, ઘરબાર અને ધંધા રોજગાર મુકીને ભારત આવવા મજબૂર બન્યા. તેઓ હવે ક્યાં જશે અને શું કરશે? તે પ્રશ્નો અને ચિંતાઓ વચ્ચે વૈશ્વિક વેપારી અને ગાંધીવાદી ભાઈ પ્રતાપ દિયાલદાસે એક એવા શહેર નું સ્વપ્ન જોયું, જેમાં કરાંચી જેમ રહેણાક પણ હોય અને પોર્ટ પણ. એટલે મારો, ગાંધીધામનો જન્મ. જે સ્વપ્ન કચ્છના રાજા અને મહાત્મા ગાંધીના સહયોગથી સાકાર થવાનું હતું. sandeepthink@gmail.com

અમૃતપર્વના ઉંબરેથી આગોતરી ઉજવણી એટલે ગાંધીધામ DAY ગાંધીધામ SAY
ગાંધીધામના અમૃતપર્વના ઉંબરે આપણે ઉભા છીએ. 12મી ફેબ્રુઆરી 1948ના જ્યારે ગાંધીધામનો જન્મ થયો ત્યારે વાસ્તવમાં દેશ પ્રસવ પીડામાં હતો, ભાગલા બાદ એક અંગ કાપી દઇને ફરી ઉભા થવાની પીડા હતી અને જોતજોતામાં આવતી 12મી ફેબ્રુઆરી 2023ના આ શહેર અમૃતપર્વ ઉજવશે, સભ્ય સંસ્કૃતિ એવા નગરની યાત્રા અંગે થોડોક શાબ્દિક પ્રવાસ આજથી અહીં આદરી રહ્યા છીએ અને દર રવીવારે જેમ જેમ અમૃતપર્વની નજીક જઇશું આ શહેરને સંલગ્ન વિગતોથી વાચકોને વધુને વધુ વાકેફ-માહિતગાર કરીશું. - તંત્રી

પાકિસ્તાનના 'મોહેં જો દડો' સાઈટના ઉત્ખનનમાંથી 1927માં મળી આવેલી સિંધી અર્જક (શાલ) કે એવું વસ્ત્ર પહેરેલા સંભવિત કોઇ રાજા કે સંતની હોવાની મનાતી 17.5 સેન્ટીમીટરની 4500 હજાર વર્ષથી જૂની પ્રતિમા, જે હાલ પાકિસ્તાનના કરાચીમાં આવેલા નેશનલ મ્યુઝિયમમાં છે.

અન્ય સમાચારો પણ છે...