ધરપકડ:જવાહરનગર નજીક એક BA બીજો BSc પાસ બોગસ તબીબ ઝડપાયો

ગાંધીધામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ડિગ્રી વગરના ડોક્ટરો પર સ્થાનિક પોલીસની તવાઇ
  • બંને ઊંટ વૈદ્યો પાસેથી સાધનો, દવા અને રોકડ સહિત 7 હજારનો મુદ્દામાલ જપ્ત

ગાંધીધામ નજીકના જવાહરનગર પાસે કોઇપણ માન્ય ડીગ્રી વગર પ્રેક્ટિસ કરી રહેલા અેક બીએસસી પાસ તો બીજા બીએ પાસ બોગસ તબીબને પકડી રોકડ, દવાઓ અને સાધનો સહિત 7 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પીઆઇ એ.બી.પટેલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, તેમને મળેલી બાતમીના આધારે ગાંધીધામ તાલુકાના આદિપુર પ્રાઇમરી અર્બન હેલ્થ ઓફિસર ડો.આદિલ જાહિરભાઇ કુરેશીને સાથે રાખી જવાહરનગર અર્બુદા હોટલ બાજુમાં બાલાજી કાંટા પાસે આવેલી દુકાનમાં દિવાંશી ક્લીનિકમાં દરોડો પાડી કોઇ પણ માન્ય ડીગ્રી વગર પોતે બીએસસી પાસ હોવાનું જાણવા છતાં પોતાની ઓળખ તબીબ તરીકે આપી બે મહિનાથી પ્રેક્ટિસ કરી રહેલા મુળ બિહારના હાલે વરસામેડીની અરિહંત સોસાયટીમાં રહેતા મનિષકુમાર નવલકિશોર પ્રસાદને રૂ.2,500 ની કિંમતના દવાઓ તથા મેડીકલના સાધનો તથા રૂ.500 રોકડ સહિત કુલ રૂ.3,000 ના મુદ્દામાલ સાથે પકડી લઇ તેના વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

તો આ જ જગ્યા નજીક આવેલી શેખર ક્લીનિકમાં દરોડો પાડી પોતે બીએ પાસ હોવાનું જાણવા છતાં કોઇપણ માન્ય ડીગ્રી વગર પોતાને તબીબ બતાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલા મુળ પશ્ચિમ બંગાળના હાલે જવાહરનગરમાં જ રહેતા ચંદ્રશેખર શ્રીચિતરંજન સમાજપતિ પાસેથી રૂ.3,500 ની કિંમતના મેડિકલના સાધનો તથા દવાઓ તેમજ રૂ.500 રોકડ સહિત કુલ રૂ.4,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

મીઠીરોહર, વરસામેડી, મેઘપર બોરીચી વિસ્તારમાં પણ આવા તત્વો હોવાની ફરિયાદ
પૂર્વ કચ્છ એલસીબી અને એસઓજી જેવી શાખાઓ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરાય છે પરંતુ અચરજની વાત એ છે કે, ગાંધીધામ અને આદિપુર નજીકના વિસ્તાર જ્યાં પરપ્રાંતિય નોકરિયાતોની સંખ્યા વધુ છે તેવા વરસામેડી, મીઠીરોહર, મેઘપર બોરીચી જવાહરનગર, પડાણા જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં આવા બોગસ તબીબો હાટડા માંડી બેઠા હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...