કુછ તો ગરબડ હૈ !:કિડાણાના ગોવિંદ ગોદામથી 13.37 લાખના ચોખાની 980 બોરી ચોરાઇ

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક જ ગોદામમાંથી મહિનામાં જ બે વખત અનાજની ચોરી !
  • ટ્રુ બ્લુ શિપિંગ કંપનીના ફીલ્ડ મેનેજરે તા.4/5 થી તા.12/5 દરમિયાન ઉપડ્યા હોવાનું જણાવ્યું

કિડાણા સીમમાં આવેલા ગોવિંદ ગોદામમાં તા. 27/5 ના 1.87 લાખની કિંમતના ચોખાની 250 બોરી ચોરી થઇ હોવાની ફરિયાદ બાદ હવે એક જ મહિનામાં આ જ ગોદામમાંથી રૂ.13.37 લાખના ચોખાની 980 બોરી ચોરી થઇ હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

ગાંધીધામના સેક્ટર ન઼બર 7 મા઼ રહેતા અને ટ્રુ બ્લુ શિપિંગ કંપનીમાં ફીલ્ડ મેનેજર તરીકે ફરજ બજાવતા શ્રવણસિંગ કુંવરપાલસિંગ રાજપુતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની કંપનીએ કિડાણાની સીમમાં આવેલો ગોવિંદ ગોડાઉન નંબર 4 ભાડે રાખી તેમાં એક્સપર્ટ ક્વોલિટીનો ચોખાનો જથ્થો રાખ્યો હતો. તા.12/5 ના રોજ આ ગોડાઉનમાં ગયા હતા ત્યારે તપાસ કરતાં ગોડાઉનમાં તા.4/5 ના રોજ રાખવામાં આવેલી ચોખાની બોરીઓ પર તાલપત્રી ઢા઼કેલી હતી તેમા઼ વચ્ચે ખાડો દેખાતાં ચેક કર્યું તો ચોખાની બોરીઓ ચોરી થઇ હોવાનો ખ્યાલ આવ્યો હતો.

આ બાબતની જાણ કંપનીના શેઠ જતિનભાઇ ગુપ્તા અને માધાભાઇ આહીરને કરતાં ગણતરી કરી તો રૂ.13,37,210 ની કિંમતના ચોખાની 980 બોરી ચોરી થઇ હોવાનો ખ્યાલ આવ્યો હતો. તેમણે અજાણ્યા ઇસમોએ યેનકેન પ્રકારે શટર ઉંચું કરી આ ચોખાની બોરીઓ ચોરી કરી હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી. પીઆઇ પી.એન.ઝીંઝુવાડીયાએ વધુ તપાસ હાથ ધરી છે. હાલ એક જ મહીનામાં એક જ ગોડાઉનમાંથી બે વખત ચોખા ચોરીની ઘટના સામે આવી છે ત્યારે સવાલ ઉભા થઇ રહ્યા છે કે કુછ તો ગરબડ હૈ!

27/5 ના નોંધાયેલી ઘટનાનો ભેદ પોલીસે 5 જણાને પકડી ઉકેલ્યો હતો, હવે કોણ ?
કિડાણાના ગોવિંદ ગોદામમાંથી જ તા.1/5 થી તા.25/5 દરમિયાન ટ્રીનિટી શિપિંગ કંપની દ્વારા રાખવામાં આવેલી રૂ.1,87,000 ની કિંમતના ચોખાની 250 બોરી ચોરી થઇ હોવાની ફરિયાદ તા.27/5 ના રોજ નો઼ધાયા બાદ બીજા જ દિવસે આ ચોરાઉ ચોખા સાથે ભુજના ભીડનાકે રહેતા હનિફ કાસમ કુંભાર, પાટણના કલ્પેશ લક્ષ્મણભાઇ રબારી, ગાંધીધામના અમિત ગારો ચૌધરી, દિનેશ હેગાભાઇ ભરવાડ અને સંજય ઉર્ફે શૈલેષ લીમ્બાભાઇ ભરવાડને પકડી લઇ તેમના કબજામાંથી ચોરી કરેલી રૂ.1,50,000 ની કિંમતના ચોખાની 200 બોરી રિકવર કરી ટ્રક તથા 6 મોબાઇલ સહિત કુલ રૂ. 7,73,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો ત્યારે સવાલ એ છે કે વહે કોણ છે જે આ ચોરીને અંજામ આપી રહ્યા છે ?

અન્ય સમાચારો પણ છે...