છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં બોગસ તબીબોની હાજરી સતત વર્તાઇ હોવા છતાં વહીવટીતંત્રની કોઇ પણ ધાક બેસાડતા પગલાની અનિચ્છાને કારણે આવા ઉંટવૈદોની સંખ્યા વધતી રહી છે. ગત 14 મહિનામાં પોલીસે વગર ડીગ્રીએ દવા કરતા 22 નકલી તબીબોને પકડી તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી હતી ખરેખર તો આ આરોગ્ય વિભાગનું કામ છે. આજે પણ એ-ડિવિઝન પોલીસે મીઠીરોહર પાસેથી વગર ડીગ્રીએ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ધોરણ 9 અને 12 પાસ બે બોગસ તબીબોને પકડી લઇ ગુનો નોંધ્યો હતો.
એ-ડિવિઝન પીઆઇ સી.ટી.દેસાઇએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગાંધીધામથી ભચાઉ હાઇવે પર મીઠીરોહર નજીક સોઢા ટી સ્ટોલ પાછળ મુળ આસામનો શરીફુલ શરાબઅલી ઇસ્લામ કોઇપણ માન્ય ડીગ્રી વગર પોતાને તબીબ ગણાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હોવાની બાતમીના આધારે ત્યાં અરબન હેલ્થ ઓફિસર ડો.આદિલ જાહિરભાઇ કુરેશીને સાથે રાખી દરોડો પાડી પુછપરછ કરતાં પોતે આસામનો હોવાનું જણાવીસ ધોરણ 9 પાસ હોવાનું જણાવ્યું હતું.
છ મહીનાથી પ્રેક્ટિસ કરતા આ બોગસ તબીબ પાસેથી મેડીકલના સાધનો, એલોપથીની દવાઓ અને રોકડ સહિત કુલ રૂ.3,000 નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો હતો. તો તે જ જગ્યાએ લક્ષ્મી ક્લીનિક નામથી કોઇપણ ડીગ્રી વગર પોતાને તબીબ ગણાવતા ધોરણ 12 પાસ પ્રદિપકુમાર પુરર્માસી મોર્યની કલ્ીનિક પર જઇ પુછપરછ કરતાં તે એક વર્ષથી અહીં વગર ડીગ્રીએ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી મેડીકલના સાધનો, એલોપથીની દવાઓ તથા રૂ.700 રોકડ મળી કુલ રૂ.3,200 નો મુદ્દામાલ કબજે કરી તેના વિરુધ્ધ પણ ગુનો નોંધ્યો હતો.
મજૂર વર્ગની અજ્ઞાનતાનો લાભ આવા તત્વો લેતા હોય છે
સતત વધતા ઔદ્યોગિકરણને પરિણામે એક તરફ ગ્રામ્ય વિસ્તારોમાં હંગામી રીતે ઝુંપડપટ્ટીઓ તથા લેબર કોલોનીઓની સંખ્યામાં વધારો થયો છે, તો પરપ્રાંતીયોની વસ્તીમાં પણ વધારો જોવા મળ્યો છે. આ પરપ્રાંતીયોની અજ્ઞાનતા તથા સરકારી હોસ્પિટલોમાં તબીબોની અછતનો લાભ લેવા મોટી સંખ્યામાં ડિગ્રી વગરના તબીબો પોતપોતાના વિસ્તારમાં સરકારી તંત્રોની મીઠી નજર હેઠળ લોકોની ગેરકાયદે રીતે સારવાર કરતા જોવા મળી જાય છે. આટલું ઓછું હોય તેમ આ બોગસ તબીબો તાલુકામાં કાર્યરત વિવિધ ઉદ્યોગોની લેબર કોલોનીઓમાં ‘વિઝિટ’ પર પણ જતા હોવાનું બહાર આવી રહ્યું છે. તાલુકાના વરસામેડી, મેઘપર, વરસાણા અને પડાણાની આસપાસ જ આવા બોગસ તબીબોનો જમાવડો જોવા મળે છે.
તવાઇ બાદ થોડા સમયમાં પાછા ધમધમતા હોવાની રાવ
પોલીસ કે આરોગ્ય તંત્ર દ્વારા તવાઇ બોલાવવામાં આવે છે પરંતુ આવા ડીગ્રી વગરના ડોક્ટરો થોડો સમય શાંતિ રાખ્યા બાદ ફરી પોતાના હાટડા ચાલુ કરી દેતા હોવાનું સ્થાનીક સૂત્રોએ જણાવ્યું હતું. ખરેખરતો ડીગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરરતા આવા તત્વો સામે ધાક બેસાડતી કાર્યવાહી થાય તે ઇચ્છનિય છે તેવો સૂર પણ સંભળાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.