અકસ્માતથી પરિવાર વિંખાયા:પૂર્વ કચ્છમાં માર્ગ અકસ્માતની 7 ઘટનામાં 8 જીવ ગયા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાહન વ્યવહારમાં થોડીક બેદરકારીને કારણે મોટા દિવસોમાં પરિવાર વિંખાયા: માખેલ,શિકારપુર, મીઠીરોહર, ગાંધીધામ,વોંધ અને અંજાર-મુન્દ્રા હાઇવે પર બન્યા ગોઝારા બનાવ

પૂર્વ કચ્છમાં તહેવારોના મોટા દિવસોમાં રાપરના માખેલ, ભચાઉના શિકારપુર,વોંધ, ગાંધીધામ, મીઠીરોહર અને અંજાર-મુન્દ્રા હાઇવે પર સર્જાયેલી જીવલેણ માર્ગ અકસ્માતની 6 ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવ્યા હોવાની ઘટના નોંધાઇ છે. મોટા ભાગના માર્ગ અકસ્માતમાં બેદરકારી કારણભૂત હોવાને કારણે સર્જાયા હતા જેમાં પરિવાર વિંખાયા હતા. તહેવારોના દિવસે માર્ગ અકસ્માતનું પ્રમાણ વધી જતું હોય છે ત્યારે આવા દિવસો દરમિયાન સાવચેતી રાખવી હિતાવહ છે.

માખેલ પાસે હાઇડ્રો મશીન નીચે દાહોદનો શ્રમજીવી યુવાન ચગદાયો
રાપર તાલુકાના માખેલ પાસે દાહોદથી નર્મદા પાઇપલાઇનના બુશિંગનું કામ કરવા આવેલો મહેશ કડકીયાભાઇ દેહદા તા.27/10 ના રોજ માખેલ નજીક પાઇપ લેવા તેના કાકા સામાભાઇ અને બનેવી કલ્પેશભાઇ જોડે ગયો હતો જ્યાં પાઇપ હાઇડ્રો મશિનમાં ચડાવી મહેશ અને કલ્પેશ ચાલી રહ્યા હતા ત્યારે હાઇડ્રો ચાલકની બેદરકારીને કારણે હાઇડ્રો મશીનનું આગલું ટાયર મહેશ ઉપરથી ફરી વળતાં ઘટનાસ્થળે તેનું મોત નિપજ્યું હતું. મૃતકના કાકા સામાભાઇ દેહદાએ આડેસર પોલીસ મથકે હાઇડ્રો ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.

વોંધ પાસે બાઇક સ્લીપ થતાં એક મિત્રનું મોત, જ્યારે બીજો થયો ઇજાગ્રસ્ત
ભચાઉ તાલુકાના વોંધમાં રહેતો 15 વર્ષીય મિત મુકેશભાઇ ગાંધી તેના મિત્ર રાહુલ સાથે તા.26/10 ના રોજ બપોરે અઢી વાગ્યે બાઇક પર નાસ્તો કરવા ગયા હતા ત્યારે બાઇક સ્લીપ થતાં બાઇક ચલાવી રહેલા મીતને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં મોત નિપજ્યું હતું. જ્યારે રાહુલને ઇજા પહોંચી હતી. મૃતક મીતના પિતા મુકેશભાઇ આંબાભાઇ ગાંધીએ ભચાઉ પોલીસે મથકે ફરિયાદ નોંધાવી હતી. હાલ આ ઘટનાથી પરિવારમાં માતમ છવાયો હતો.

શિકારપુર પાસે બેકાબુ બનેલો બાઇક ચાલક રેલિંગમાં અથડાતાં જીવ ગુમાવ્યો
રાજકોટથી આદિપુર મામાના ઘરે દિવાળી ઉજવવા આવેલા રમેશભાઇ બીજલભાઇ ભીલ,વિશાલ નાનજીભાઇ વાઘેલા અને તેમના ભત્રીજા સુરેશભાઇ નરશીભાઇ ભીલ તહેવાર ઉજવી તા.28/10 ના રાજકોટ પરત ફરી રહ્યા ત્યારે શિકારપુર પાસે આગળ જઇ રહેલા સુરેશે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં રેલિંગમાં અથડાયો હતો અને ગંભીર ઇજાઓને કારણે તેનું મોત નિપજ્યું હોવાની ફરિયાદ મૃતકના કાકા રમેશભાઇ બીજલભાઇ ભીલે સામખિયાળી પોલીસ મથકે નોંધાવી હતી.

ગાંધીધામ નજીક રોંગસાઇડ આવેલી એક્ટિવા કારમાં અથડાતાં બે મોત, 3 બે ઘાયલ
ગાંધીધામ નજીક એ.વી.જોષી પુલિયા પર તા.25/10 ના રોજ બપોરે જઇ રહેલી રાજકોટના તબીબની કારમાં રોંગ સાઇડ ત્રિપલ સવારીમાં આવેલા એક્ટિવા ચાલકે અથડાવી દેતાં એક્ટિવા ચાલક અને પાછળ સવાર યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતાં બે જણાના મોત નિપજ્યા હતા તો એક્ટિવા સવાર ત્રીજા યુવકને તથા તબીબના પત્નીને ઇજાઓ પહોંચી હતી. રાજકોટના તબીબ ડો. નિરવભાઇ જયંતીલાલ પટેલે અકસ્માત સર્જનાર એક્ટિવા ચાલક વિરુધ્ધ ગુનો નોંધાવ્યો હતો. તબીબનો પરિવાર માંડવી ફરવા માટે જઇ રહ્યો હતો.

મીઠીરોહર પાસે મોપેડ ડિવાઇડરમાં ટકરાતાં ચાલકનો જીવ ગયો
ગાંધીધામના ઇન્દિરાનગરમાં રહેતા અને રૂચી સોયા નજીક ચા ની કેબિન ચલાવતા અજયકુમાર લાતરામ મોહાર તા.25/10 ના રોજ રાત્રે 8:30 વાગ્યાના અરસામા઼ ગાંધીધામથી રૂચી સોયા તરફ મોપેડ લઇને જઇ રહ્યા હતા. મીઠીરોહર સર્વિસ રોડ પર તેમનું મોપેડ ડીવાઇડરમાં અથડાતાં માથામાં ગ઼ભીર ઇજાને કારણે તેમનું મોત નિપજ્યું હોવાનું મૃતકના બનેવી અનિલકુમાર શ્રકાન્ત ઝાએ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું.

મીઠીરોહર પાસે બાઇક ખેતરના દરવાજામાં ટકરાતાં ચાલકનું મોત, 1 ઘાયલ
મીઠીરોહર નજીક આવેલી વી-અર્જુન ટ્રાન્સપોર્ટ કંપનીમાં મજૂરી કામ કરતા સુરજકુમાર પપ્પુસિંગ અને મિથુન તા.25/10 ના રોજ સહકર્મી સૌરભની બાઇક લઇ કામ અર્થે ગાંધીધામ ગયા બાદ રાત્રે પરત ફરતી વેળાએ સાડા બાર વાગ્યાના અરસામાં એસીટી ગોદામ સામેના ખેતરમાં બાઇક ચલાવી રહેલા સુરજકુમારે કાબુ ગુમાવતાં બાઇક ખેતરના પતરાના દરવાજામાં અથડાતાં ગંભીર ઇજાને કારણે બાઇક ચાલક સુરજકુમારનું મોત નિપજ્યું હતું તો પાછળસવાર મિથુનને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હોવાનું વી-અર્જુન ટ્રાન્સપોર્ટના મેનેજર ચંદ્રદિપ ઉર્ફે બંટીભાઇ અવતારકિશન શર્માએ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું.

અંજાર-મુન્દ્રા હાઇવે પર ટ્રેઇલરમાં પાછળની ટ્રક અથડાતાં ચાલકનું મોત
ગાંધીધામની શ્રી હરિ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ કંપનીનો ટ્રક ચાલક પીન્ટુકુમાર ગણેશરાય અમદાવાદના ધોળકાથી ટુવાલનો જથ્થો લોડ કરી મુન્દ્રા જવા નિકળ્યો હતોતા.24/10 ના બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં તે અંજાર મુન્દ્રા હાઇવે પર માતેશ્વરી હોટલ પાસે પહોંચ્યો ત્યારે ડાયવર્ઝનમાં વળાંક લેવા આગળ જતા ટ્રેઇલર ચાલકે બ્રેક મારતાં પીન્ટુકુમારની ટ્રક તેમાં ટકરાતાં પીન્ટુકુમારનું ગંભીર ઇજાઓને કારણે મોત નિપજ્યું હતું. ટ્રાન્સપોર્ટર જયેશભાઇ કરશનભાઇ કોટકે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...