વિવાદ, વિરોધ વચ્ચે થશે વિકાસ ?:સામાન્ય સભાને જાણ કર્યા વિના 6.40 કરોડના કામ બારોબાર લેવાતા ઉપપ્રમુખે વાંધો નોંધાવ્યો

ગાંધીધામ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ પાલિકાની સામાન્યસભામાં 170 એજન્ડાને બહાલી

ગાંધીધામ નગરપાલિકાની લાંબા અરસા બાદ ટાઉન હોલમાં મળેલી સામાન્ય સભામાં સર્વાનુમતે વિવાદાસ્પદ એજન્ડાને રદ કરીને અન્ય 170 એજન્ડાઓ કે જેમાં ભુગર્ભ લાઈન, માર્ગો, સફાઈ સહિતનાનો સમાવેશ થાય છે, તેને બહાલી આપી દેવાઈ હતી. વિપક્ષના વિવિધ આક્ષેપો વચ્ચે વિથચેર બારોબાર લેવાયેલા એજન્ડા અંગે ઉપપ્રમુખે અસહમતી દર્શાવી હતી.

નિયત સમયગાળા કરતા મોડી યોજાયેલી ગાંધીધામ નગરપાલિકાની સામાન્ય સભાની શરૂઆતે નગરસેવકોના સ્નેહિજનો જેમનું નિધન થયું હોય તેમને શ્રદ્ધાજંલી અપાયા બાદ પ્રમુખ ઈશિતાબેન ટીલવાણીએ સૌપ્રથમ ચર્ચીત 158 નં. ના એજન્ડા અંગે બચાવ કરતા કહ્યું કે તેનો ઉદેશ્ય કોઇને કાઢવાનો નહી, પરંતુ સ્ટાફ જે યોગ્ય સમય પર નથી આવતો અને અન્ય ફરિયાદો છે, તે માટે સ્ટાફ પાસેથી કામ લેવાનો હેતું છે. પરંતુ હાલતુરત આ એજન્ડાને મુલત્વી રાખવામાં આવે છે.

આ જાહેરાત થતાજ વિપક્ષના નેતા સમીપભાઈ જોશી, અમીત ચાવડા સહિતનાએ મુલત્વી નહી પરંતુ તેને રદ કરવામાં આવે તેવી માંગ કરી હતી. સતાપક્ષના પદાધિકારી અને નગરસેવકોમાં પણ આ માટે જોવા મળતા સમર્થન બાદ મુલત્વીની જગ્યાએ સર્વાનુમતે આ એજન્ડાઅ રદ કરાયો હોવાનું જાહેર કરાયું હતું. નોંધવું રહ્યુ કે આ એજન્ડામાં લખાયું હતું કે ‘કર્મચારી અને અધિકારીની કામગીરી અંગે ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવા અંગે’. જેમાં કોઇ સ્પષ્ટતા ન હોવાનું, આ થકી કર્મચારી અને અધિકારી પર અંકુશ રાખવાનો પ્રયાસ થશે તેવો ગણગણાટ થોડા દિવસ પહેલા ઉઠ્યા બાદ સતાપક્ષનાજ નગરસેવકો દ્વારા તેનો વિરોધ થતા હાઈકમાન્ડથી આ એજન્ડાને સાઈડ કરવા જણાવાયું હતું.

એજન્ડાઓનું વાંચન શરૂ થતા સાથેજ પહેલાજ એજન્ડામાં ઉપપ્રમુખ બળવંતભાઈ ઠક્કરે ગત સામાન્ય સભાની મીટીંગની મીનીટ્સને બહાલી આપવામાં અસહમતી પ્રગટ કરતા કહ્યું કે 6.40 કરોડના ખર્ચે જીઆઈડીસીના માર્ગો બનાવવાનું કામ વીથચેર સામાન્ય સભા કે સંકલનને જાણ કર્યા કે વિશ્વાસમાં લીધા વિના લેવાયો તે યોગ્ય નથી. તેમણે કહ્યું કે વિકાસકાર્યનો વિરોધ નથી, પરંતુ પ્રક્રિયાઓનું પાલન કર્યા વિના અને સભાને કે સંકલનને સાધ્યા વિનાજ લેવાતા નિર્ણય અયોગ્ય છે.

આમ, 45 મિનિટમાં સભા આટોપી લેવાઈ હતી, જેમાં એક એજન્ડાને રદ કરાયા સિવાય 170ને બહાલી આપી દેવાઈ હતી. પ્રમુખ ટીલવાણી, ઉપપ્રમુખ ઠક્કર સાથે સતાપક્ષના નેતા વિજયસિંહ જાડેજા, કારોબારી ચેરમેન પુનિતભાઈ દુધરેજીયા, ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડા, વિપક્ષના નેતા જોશી, ચાવડા, જયશ્રીબેન ચાવડા, જગદીશ ગઠવી સહિતના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ નગરસેવકોએ ઉપસ્થિત ન રહી શકવા માટે ટેલીફોનીક જાણ કરી હતી. પાલિકાની વર્તમાન તંગ સ્થિતિને જોતાં પોલીસ બંદોબસ્ત પણ ટાઉન હોલ બહાર રાખવામાં આવ્યો હતો.

મિસ્ટર ઈન્ડિયા : જેની મુદત વધારી તે કર્મચારી ખરેખર છે?
બીજાજ એજન્ડામાં પાલિકાના હંગામી કરાર આધારીત કર્મચારીના કરારને બહાલી આપવાની વાત હતી, જે અંગે વિરોધ પક્ષના નેતાએ આ વ્યક્તિ ખરેખર છે કે નહિ? તે પર પ્રશ્ન ઉઠાવતા કર્મચારીને સભામાં બોલાવવામાં આવે તેવી તજવીજ પણ હાથ ધરાઈ હતી, જોકે સભાના અંત સુધી તે દેખાયા નહતા. જે તે વિભાગમાંથી દર્શાવતા કર્મચારીને અન્ય વિભાગમાં કામ કરાવાતા હોવાનો મુદો અહી સ્પર્શતો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

પાણીના ટેન્કર, મંદીરની દિવાલ અને ડિવાઈડરના પટ્ટાઓ મુદ્દે ઉઠ્યા સવાલ
પાણીના સપ્લાય માટે ભાડેથી બે ટેંકર રાખવાનો મુસદો સામે આવતા વિરોધપક્ષના નગરસેવક અમીત ચાવડાએ ટેંકર બનાવવા આપ્યા હોવા છતાં કેમ પાલિકા ભાડેથી કામ ચલાવે છે તે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તો આદિપુરમાં મંદિર બાજુમાં કમ્પાઉન્ડ વોલ બનાવવાના મુદે વિપક્ષી નેતાએ બધા મંદિરોમાં કામ કરાય તેવી માંગ કરતા નગરસેવક મનોજ મુલચંદાણીએ મંદિરને આ તમામ બાબતોથી દુર રાખવા વિનંતી કરી હ્તી, તો વિપક્ષી નેતાએ તેમના વિસ્તારના મંદિરો માટે માંગ કરતા હોવાનું જણાવ્યું હતું. ટાગોર રોડ પર ડિવાઈડરમાં સફેદ પટ્ટા લગાવવા માટે પણ મંજુર કરાયેલા કાર્યો અંગે વિપક્ષી નેતા જોશીએ ખરેખર તો આ પાલિકાનું કાર્યક્ષેત્રજ નથી તો શા માટે આરએન્ડબી ને પત્ર ન પાઠવીને પાલિકા પોતે ખર્ચ કરે છે.

લેશન કરીને નથી આવ્યા? : પ્રમુખે વિપક્ષને માર્યો ટોંણો
સભામાં સભ્યો વચ્ચે ચાલતી નોંકજોંક વચ્ચે એક સમયે વિપક્ષ મુદાઓની તલાશમાં હોવાનું જોવા મળતા પાલિકા પ્રમુખ ટીલવાણીએ “લેશન કરીને નથી આવ્યા?’ કહીને વિપક્ષ પર વાર કરવાનો પ્રયાસ કર્યો હતો. તો સામા પક્ષે વિપક્ષી નેતાએ પણ એજન્ડાઓના આધારે લખાયેલી ટીપ્પણીઓના કાગળો લહેરાવીને દર્શાવ્યા હતા. ત્યારબાદ એજન્ડાઓ પાસ કરાય છે તેવી જાહેરાત કરીને સભા પુર્ણ કરાઈ હતી.

86 લાખના 56 એજન્ડા માત્ર ભુગર્ભ ગટર લાઈનના જ : વિપક્ષ
ગાંધીધામ નગરપાલિકાની સામાન્ય સભામાં અંદાજે 86 લાખના કુલ 56 એજન્ડા ભુગર્ભ ગટર લાઈન બદલવા તેમજ 7 વોર્ડની પાણીની લાઈન બદલવા અંદાજીત 30.40 લાખના કામો મુકવામાં આવ્યા છે. જેમાં મોટા ભાગનામાં ટેન્ડર પ્રક્રિયા વિના થઈ ગઈ હોવાનું વિપક્ષના નેતા સમીપ જોશીએ આરોપ લગાવ્યો હતો.

તેમણે જણાવ્યું કે એજન્ડા નં. 43માં ટાઉનહોલમાં વીમો ઉતારવા અને તેની લીઝ પુરી થઈ ગઈ છે તો ક્યા આધારે આ પ્રક્રિયા કરાઈ, એજન્ડા નં. 83 અને 169માં એમ્યુઝમેન્ટ પાર્ક, ટાગોર પાર્ક, સુભાષચંદ્ર બોઝ પાર્કની જાણવણી ખર્ચ જણાવાયો નથી, આવીજ રીતે પ્રતિમાઓનું મેઈન્ટેન્શ, પાલિકાને કરાયેલી 5 કરોડની ગ્રાન્ટની ફાળવણીની ચર્ચાજ ન કરાઈ, ઘન કચરા નિકાલ સહિતના મુદે વિપક્ષે આક્ષેપોની ઝડી વરસાવીને સભાના અંતે ‘રાજકોટમાં મળીશુ’ તેવું વિપક્ષી નેતાએ પ્રમુખને જણાવ્યું હતું. આ અંગે તેમણે બહુમતીના જોરે વંચાણે લીધા વિના કે ચર્ચા કર્યા વિના ઠરાવો સામે રીજયોનલ કમિશનર મ્યુનિસિપાલીટીઝ, રાજકોટ સમક્ષ કલમ અ 8 તળે કેસ દાખલ કરાશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...