ગાંધીધામના ધમધમતા વિસ્તારમાં આવેલા ટાટાના ક્રોમા શો-રૂમમાં સજ્જડ સિક્યુરિટી વ્યવસ્થા વચ્ચે ભર બપોરે ટેબલ ઉપરથી રૂ.60 હજારની કિંમતના એપલના ફોનની ઉઠાંતરી કરી શખ્સ ગણતરીની મિનિટોમાં રફ્ફૂચક્કર થઇ ગયો હોવાની ઘટના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.
આદિપુર રહેતા અને ગાંધીધામ ખાતે આવેલા ટાટાના ક્રોમા શો-રૂમમાં મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રણવભાઇ પંકજભાઇ ઉપાધ્યાયે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, બનાવ તા.13/5 ના બપોરે 1 થી 2 દરમિયાન બન્યો હતો. તેમના શો-રૂમમાં ઇલેક્ટ્રોનિક સાધનોનું વેંચાણ કરવામાં આવે છે. આ દિવસે રાબેતા મુજબ સ્ટાફના માણસો હાર્દીકભાઇ જેઠવા, રવિન્દ્રભાઇ વાળા, સુનિલભાઇ ડુંગરિયા હાજર હતા. બપોરે બે વાગ્યે અચાનક સાયરન વાગતાં કંઇક અજુગતું બન્યું હોવાનો ખ્યાલ આવતાં ચેકિંગ કર્યું તો શો-રૂમની ચાર નંબરની ટેબલ પર રાખેલો રૂ.59,900 ની કિંમતનો એપલનો મોબાઇલ ફોન કોઇ નજર ચુકવીને લઇ ગયો હોવાનો ખ્યાલ આવતાં સીસી ટીવી ફૂટેજ તપાસ્યા હતા જેમાં એક ઇસમ ટેબલ ઉપર રાખેલો તે ફોન નજર ચૂકવી લઇ જતો દેખાય છે. તે કોણ છે ? ક્યાં રહે છે તે જાણતા ન હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું.
આ સીસી ટીવી ફૂટેજ મુંબઇ સ્થિત હેડ ઓફિસ મોકલ્યા બાદ ત્યાંથી ફરિયાદ નોંધાવવાનું કહેતાં આ બાબતે મોબાઇલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. એ-ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ આર.એમ.બરાડીયાએ વધુ તપાસ હાથ ધરી છે. સજ્જડ સિક્યુરીટી વચ્ચે પણ સંકુલમાં તસ્કરો ચોરીને અંજામ આપી રહ્યા છે તે મોટો પડકાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.