તપાસ:કંડલા સેઝની કંપનીના પ્લાન્ટમાંથી ધોળા દિવસે 60 કિલો ભંગાર ચોરાયો

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એચઆર મેનેજરની અજાણ્યા ઇસમો વિરૂધ્ધ પોલીસ મથકે ફરિયાદ
  • કાસેઝમાં બંદોબસ્ત વચ્ચે અવાર-નવાર ચોરી કેમ ?

કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે તસ્કર ટોળી અવાર નવાર ચોરીની ઘટનાને કેમ અંજામ આપી જાય છે ? તે સવાલ વચ્ચે ગઇકાલે ધોળા દિવસે કાસેઝ અંદર આવેલી લેકમી લીવર કંપનીના પ્લાન્ટમાંથી રૂ.5,400 ની કિંમતના 60કિલોગ્રામ ભંગાર ચોરી થયો હોવાની ઘટના ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

કાસેઝમાં આવેલી યુનીલીવર ઇન્ડીયા એક્સપોર્ટ લિ.કંપનીમાં એચઆર તરીકે ફરજ બજાવતા પ્રતિકભાઇ ભરતભાઇ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત સાંજે તેઓ કંપની પર હાજર હતા તે દરમિયાન લેકમી લીવર પ્લાન્ટમાં સિક્યુરીટી ગાર્ડ મનોજભાઇએ આવીને જાણ કરી હતી કે, આપણી લેકમી લીવર કંપનીના પ્લાન્ટમાં રાખેલા એલ્યુમિનીયમ સ્ક્રેપ ચોરી થયો છે. આ જાણ થતાં તેઓ સિક્યુરીટી સાથે ત્યાં પહોંચ્યા હતા.

તપાસ કરી કે આ પ્લાન્ટમાં રાખેલા રૂ.5,400 ની કિંમતના 60 કિલોગ્રામ એલ્યુમિનિયમ સ્ક્રેપની ચોરી થઇ હોવાનું જણાઇ આવતાં તેમણે બી-ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમોએ ગઇકાલે બપોરે 3 થી 4 વાગ્યા દરમિયાન આ ચોરીને અંજામ આપ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પીએસઆઇ રાજેન કે. દેસાઇએ વધુ તપાસ હાથ ધરી છે.

ખાનગી સિક્યોરિટી શંકાના દાયરામાં
કાસેઝમાં રાખવામાં આવેલી ખાનગી સિક્યોરીટી સર્વિસ સતત થતી ચોરીઓથી શંકાના દાયરામાં હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે. પોતાની સિક્યોરીટી હોવા સાથે રાખવામાં આવેલી અલાયદી ખાનગી કોંટ્રાક્ટ છતાં થતી ચોરીઓ પ્રશ્નો જન્માવે છે. આ દિશામાં પણ તપાસ કરાય તે જરૂરી હોવાનો સુર ઉઠવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...