સમસ્યા:એક આખલો પકડવાના 500, પણ રાખવા માટે જગ્યા નથી!

ગાંધીધામ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ પાલિકાએ સમસ્યા ઉકેલવા પ્રયાસ શરૂ કર્યા
  • પૂર્વ કચ્છના જીવદયા કેન્દ્રો સાથે આખલા રાખવા વાટાઘાટો શરૂ કરાઈ

ગાંધીધામમા રખડતા ઢોરની વકરેલી સમસ્યાનો ઉકેલ લાવવામાં ગાંધીધામ નગરપાલિકાને જરાય રુચી ન હોવાના ઉઠતા આક્ષેપો વચ્ચે આખલાઓને રાખવા અને પકડવાની દિશામાં પ્રયાસો હાથ ધરાયા હોવાનું જાણવા મળ્યું હતું.ગત સપ્તાહે ટાગોર રોડ પર આખલાની ટક્કરથી બુલેટ ચાલક યુવાનનું મોત નિપજ્યું હતું, તો આજ પ્રકારના અગાઉ પણ બનાવો બની ચુક્યા છે અને સતત સામે આવતા રહેતા હોવાથી લોકોમાં રોષની લાગણી ભભુકી હતી.

દિવ્ય ભાસ્કર દ્વારા પણ રાજ્ય સરકારમાંથી ઢોર વાડો બનાવવા પાલિકાને અલાયદા 10 લાખ ફાળવાયા છતાં તે દિશામાં કામ ન કરાઈ રહ્યું હોવાનું અને તે માટે કોઇ જમીન ન હોવાનો રાગ આલાપાતો હોવાનું ઉજાગર કરીને, ક્યા સ્થળો પર આ કાર્ય થઈ શકે તેના સુચન પણ બહાર લાવ્યા હતા. ત્યારે હવે નગરપાલિકાએ બાબતની ગંભીરતાને સમજીને આખલા પકડાવા માટે એક એજન્સીની ઓળખ કરીને કામ આપવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં એક આખલાને પકડવાના 500 જેટલા રુપીયાના ખર્ચ આપવાનો નિર્ધારીત પણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ સામા પક્ષે તેમને પકડીને રાખવા ક્યાં તે મોટો પ્રશ્ન છે.

પ્રાથમિક ધોરણે સુધરાઈ ગૌશાળા કે જીવદયા કેંદ્રો સાથે આખલા રાખવા અંગે વાટાઘાટ કરી રહી છે. પરંતુ તેમાં જોઇએ તેવી સફળતા હાલ સુધી મળ્યાનું પ્રતિત થતું નથી, દરમ્યાન રામલીલા મેદાનમાં લમ્પી રોગચાળામાં ઉપયોગમાં લેવાયેલા શેડ અને અડધુ મેદાનનો પણ ઉપયોગ અંગે પણ ચર્ચા થઈ રહી છે. હવે જ્યારે સીઓ બદલાઈ રહ્યા છે ત્યારે આ દિશામાં આદરાયેલા પ્રયાસો ફરી અટકી તો નહી જાય તે પ્રશ્ન પણ ઉપસ્થિત થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...