તપાસ:ITના વધુ 5 સ્થળે દરોડા, ખાવડા ગ્રુપ પાસેથી 12 કરોડ રોકડા, 15 લોકર, 80 કરોડના વ્યવહાર મળ્યા

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવકવેરા વિભાગની કાર્યવાહી બીજા દિવસે પણ જારી : ભુજ-ગાંધીધામની બેંકમાં લોકર સીઝ : ઘરેણાં તપાસના દાયરામાં લેવાયા
  • રાપર, ભુજ અને માંડવીના 5 વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો અને મકાનમાં થઈ તપાસ

કચ્છના ગાંધીધામ, ભુજ, અંજાર, માંડવીમાં આવેલા ખાવડા ગ્રૂપ પર ઇન્કમટેક્સના દરોડાની કાર્યવાહી બીજા દિવસે પણ યથાવત્ રહી હતી. તપાસમાં વધુ નામો ખુલતા શનિવારે વધુ પાંચ સ્થળોએ ઇન્કમટેક્સ વિભાગની ટીમોએ દરોડા પાડી સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે.

ગાંધીધામમાં સોની સમાજની વાડી પાસે આવેલા ખાવડા ગ્રૂપના અનંત તન્ના, રીતેશ તન્ના, શ્વેતા રીતેશ તન્ના, ચમનલાલ ઠક્કર તથા ભાગીરથ ઠક્કરનાં ઘર અને ઓફિસ મળીને કુલ 32 જગ્યાએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આઈટી વિભાગને દરોડા દરમિયાન રૂ. 12 કરોડ રોકડા, 15 લોકર અને રૂ. 80 કરોડના વ્યવહારો મળી આવ્યા છે.

ખાવડા ગ્રૂપ ઉપરાંત સંકેતનિધિ આંગડિયા, અંજારમાં મહાવીર ડેવલોપર્સ, માંડવીમાં ભવાનશાહ બિલ્ડર્સ, ભુજમાં પ્રિન્સ હોટલ અને રાપરની મર્કેન્ટાઈલ બેન્કમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં શુક્રવારે 15 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા હતા. જેથી બીજા દિવસે શનિવારે પણ આવકવેરા વિભાગે આ તપાસને આગળ વધારી હતી.

જેમાં વધુ 5 સ્થળે દરોડો પાડવામાં આવ્યો છે. શનિવારે કેટલાક ઘરોમાં ઝડતી દરમ્યાન મળી આવેલા ઘરેણાં તપાસના દાયરામાં લેવામાં આવ્યા છે તો ભુજ અને ગાંધીધામની કેટલીક બેંકોમાં આવેલા લોકરને સિઝ કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ સાથે રાપર, ભુજ અને માંડવીમાં વધુ 5 સ્થળોએ વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો અને રહેણાકમાં તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. કંપનીના પ્રમોટરના ઘર અને ઓફિસમાંથી મળેલા મોબાઇલ ફોન, કમ્પ્યુટરની હાર્ડડિસ્કમાંનો ડેટા લેવામાં આવી રહ્યો છે. દરોડાની કાર્યવાહી બીજા દિવસે પણ યથાવત્ રહી હતી.

આદિપુરમાં આદરાયેલી તપાસમાં મહેમાનો પણ ફસાયા
આવકવેરા વિભાગ દ્વારા આદિપુરમાં પણ તપાસના ભાગરૂપે રેડ કરવામાં આવી હતી ત્યારે સંભવિત વિદેશી ફંડ પ્રાપ્ત કરવા અને સંલગ્ન તપાસના તાર મળવા સંદર્ભે આદિપુરમાં હાથ ધરાયેલી તપાસમાં ટીમ ઘરે પહોંચી ત્યારે મહેમાનો હાજર હતા. જેથી તપાસના ભાગરૂપે તેમને પણ ત્યાં જ રહેવા સૂચિત કરવામાં આવ્યા હતા.

વેપાર સામે ઓછો ટેક્સ આવતો હોવાથી તપાસ
રાજકોટ | ખાવડા ગ્રૂપ દ્વારા છેલ્લા કેટલાક સમયથી રોકડમાં જ વ્યવહારો અને વેપાર થતા હતા અને જે રીતે વેપાર થતો હતો તેની સામે ટેક્સ ઓછો આવતો હોવાનું માલૂમ પડ્યું હતું, જેના આધારે આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી હતી. છ મહિના સુધી આ ખાવડા ગ્રૂપ કયા ક્ષેત્રના વેપાર સાથે સંકાળયેલું છે? તેનો વેપાર ક્યાં સુધી ફેલાયેલો છે? કોની કોની સાથે વેપાર કરે છે અને સામે ટેક્સ કેટલો ભરે છે તેનું સરવૈયું કાઢવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...