ગાંધીધામ આદિપુરમાં ડ્રેનેજને બાદ કરતા તમામ સફાઈ સબંધિત કાર્યોને સમાવિષ્ટ કરતું એક ટેન્ડર પાલિકાએ બહાર પાડ્યું હતું. જે માટે અલગ અલગ પાંચ એજન્સીઓએ રસ દાખવ્યો છે,થોડા દિવસોમાં આ ટેન્ડર ખુલવાના છે ત્યારે કોઇ નવા ઠેકેદારને કામ મળે છે કે કેમ તે જોવું રહ્યુ. જુના કોન્ટ્રાક્ટરની કામગીરીથી શહેરભરમાં ભારે નારાજગી જોવા મળી છે.
ગાંધીધામ આદિપુરમાં ડોર ટુ ડોર અને સફાઈનું કામ હાલ દરબાર વેસ્ટ કોર્પોરેશન દ્વારા સંભાળવામાં આવી રહ્યું છે, જેનો કોન્ટ્રાક્ટની સમય મર્યાદા પુર્ણ થયાના મહિના બાદ પાલિકાએ નવું ટેન્ડર બહાર પાડ્યું હતું. જે માટે પાંચેક એજન્સીઓએ ટેન્ડર ભર્યું હોવાનું જાણવા મળે છે. આ ટેન્ડરમાં પાલિકા દ્વારા માત્ર કાર્ય આધારીત ફોકસ કરીને કોઇ આંકડાકીય ઉલ્લેખ કરવાનું ટાળ્યુ હોવા છતાં મહિને એકાદ કરોડ જેટલો અંદાજીત ખર્ચ ધરાવતુ આ ટેન્ડર બે થી ત્રણ દિવસમાં ખુલવાની શક્યતા છે.
અહી નોંધપાત્ર મુદાઓ તે પણ છે કે વર્તમાન એજન્સીના કાર્યકાળ દરમ્યાન ગાંધીધામનો સ્વચ્છતા રેંક અધોગતી પામ્યો છે, તેમજ પુર્વ પદાધિકારીઓની સામેલગીરી, અયોગ્ય રુપે મોટા બીલીંગ અને તે અનુસાર પરિણામ ન અપાતા હોવાના આક્ષેપો ઉઠતા રહ્યા છે.
ત્યારે જનસામાન્યમાંથી આ વખતે નવીન એજન્સીઓને કામ અપાય તેવી લાગણી જન્મી રહી છે પરંતુ જુના કાંઠલાઓ અને પાલિકાને વર્ષોથી કમાવવાનો અડ્ડો બનાવીને બેઠેલા પુર્વ પદાધિકારી તેમાં બાધા બનીને પોતાનો કક્કોજ ખરો કરાવતા હોવાથી અને તેમના માર્કેટમાં કરાતા દાવા અનુસાર “ઉપર સુધી તેમની પહોંચ’ ના પગલે નિયમાનુસાર પ્રક્રિયાઓ થાય છે કે કેમ તે જોવું રહ્યું.
નોંધપાત્ર છે કે પાલિકાની તિજોરી સતત તળીયા જાટક રહેતી હોવાથી ઘણા સમયથી નાના મોટા ટેન્ડરો ભરવા કોઇ કોન્ટ્રાક્ટર બહાર આવતા નથી, ત્યારે આ ટેન્ડર માટે પાંચએ રસ દાખવતા તે તમામ એકજ પાર્ટી અલગ અલગ નામે તો નથી ભરાવતી ને તેના મુળની તપાસ પણ થવી જરૂરી બની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.