સરાહનિય કાર્ય:ચિટરે 47 હજાર ઉપાડ્યા, પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમે પરત અપાવી દીધા

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જો કોઇ એપ ડાઉનલોડ કરાવે તો ન કરતા, રૂપિયા ગુમાવશો
  • ગાંધીધામ રહેતા નોકરિયાતે ક્રેડિટ કાર્ડ ચાલુ કરાવવા વિશ્વાસ રાખ્યો

ગાંધીધામ રેલ્વે કોલોનીમાં રહેતા નોકરિયાત યુવાનને ક્રેડિટ કાર્ડ ચાલુ કરાવવા અજાણ્યા નંબર પરથી એપ ડાઉનલોડ કરાવ્યા બાદ તે ચિટરોએ બે ટ્રાન્જેક્શનમાં રૂ.47 હજાર ઉપાડી ઓનલાઇન છેતરપિંડી કરી હતી પરંતુ સતર્ક સાયબર ક્રાઇમ પોલીસે આ ગુમાવેલી રકમ પરત કરાવી વધુ એક સરાહનિય કાર્ય કર્યું હતું.

ગાંધીધામ રેલ્વે કોલોનીમાં રહેતા નિતિશકુમારને તા.25/10 ના રોજ અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો કે તમારૂં ક્રેડિટ કાર્ડ બંધ છે કેવાયસી કરાવો તો ચાલુ થશે ત્યારબાદ તેમને એનીડેસ્ક એપ ડાઉનલોડ કરાવી ઓનલાઇન ચિટરે બે ટ્રાન્જેક્શન કરી નિતીશકુમારના ખાતામા઼થી રૂ.47,047 ઉપાડી લઇ છેતરપિંડી કરી હતી.

ભોગ બનનાર નિતીશકુમારે પુર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ મથકે જઇ આપવીતી કહ્યા બાદ સતર્ક સાયબર ક્રાઇમ પોલીસે સતર્કતા દાખવી ટેકનીકલ એનાલિસીસના આધારે ભોગ બનનારને ગયેલા રૂ.47 હજાર પરત અપાવ્યા હતા. આ કામગીરીમાં સાયબર ક્રાઇમ પોલીસના પીઆઇ એ.એમ.વાળા, એએસઆઇ સિધ્ધરાજસિંહ ઝાલા, કોન્સ્ટેબલ હરેશભાઇ, સુરેશભાઇ, હરદિપસિંહ વગેરે જોડાયા હતા. સાયબર ક્રાઇમ પોલીસે અજાણ્યા નંબર ઉપરથી ફોન આવે તો ઓટીપી નંબર ન આપવા તેમજ કોઇપણ જાતની એપ્લીકેશન ડાઉનલોડ ન કરવા અપીલ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...