દુર્ઘટના:ગાંધીધામમાં 4 અકસ્માતમાં 4 વ્યક્તિઓ ઘાયલ થયા; બે ગંભીર, એક કોમામાં સર્યો

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સંકુલમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ વધી, ક્યાંક બેફામ ગતી તો ક્યાંક ખાડા કારણભૂત
  • સ્મશાનપુલ, કંડલા, ટાગોર રોડ અને સપનાનગર પાસે બન્યા બનાવો

ગાંધીધામ સંકુલમાં બનેલી માર્ગ અકસ્માતની 4 જુદી જુદી ઘટનાઓમાં 4 ઘાયલ થયા હતા તેમાંથી બેની હાલત ગંભીર છે તો એક કોમામાં સરી પડ્યો હોવાની નોંધ પોલીસ ચોપડે થઇ છે. સંકુલમાં વધી રહેલી અકસ્માતની ઘટનાઓમાં મોટે ભાગે બેફામ ગતિ અને હાલ થોડા દિવસોથી ખાડાઓ પણ કારણભૂત હોવાની ચર્ચા સંભળાઇ હતી.

ટાગોર રોડ પર ઉભેલા બાઇકમાં બીજી ટકરાતાં 1 ઘાયલ
કિડાણા રહેતા 32 વર્ષીય જુનસ ઇબ્રાહિમ મથડા કિડાણા ઘરે જઇ રહ્યા હતા. ટાગોર રોડ પર ડો.હોતચંદાણી હોસ્પિટલ સામે તેઓ ઉભા રહ્યા તે દરમિયાન આદિપુર તરફથી પૂરપાટ આવેલા બાઇક ચાલકે તેમની બાઇકમાં ટક્કર મારતાં તેઓ પડી ગયા હતા જેમાં તેમને આખા શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી હોવાનું તેમણે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું.

કંડલા પાસે ટ્રકની ટક્કર લાગતાં બાઇક ચાલકને ફ્રેક્ચર
સુંદરપુરીમાં રહેતા અને કોટકના ઇન્સ્પેક્શન ઇન્ડીયા પ્રા.લી.માં સર્વેયર તરીકે ફરજ બજાવતા 30 વર્ષીય શૈલેષભાઇ હેમાભાઇ વણકર તા.11/9 ના રોજ કંડલાથી ગાંધીધામ બાઇક પર આવી રહ્યા હતા. તેઓ શ્રીજી ટર્મિનલના ગેટ-3 સામે પહોંચ્યા ત્યારે પૂર ઝડપે આવેલી ટ્રકની ટક્કર લાગતાં જમણા પગના સાથળ, ડાબા હાથના બાવડામાં તેમજ લીવરમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજા પહોંચી હતી. તેમણે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરૂધ્ધ કંડલા મરિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સ્મશાન પુલ પાસે ટ્રક અડફેટે બાઇક ચાલક કોર્ટના ક્લાર્કને ગંભીર ઇજા
મુળ બનાસકાંઠા અને ગાંધીધામ સેશન્સ કોર્ટ ખાતે આસિસ્ટન્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા નિખિલકુમાર રમણલાલ રોહિતના પત્ની નેર ગામે શિક્ષીકા તરીકે ફરજ બજાવતા હોઇ ભચાઉના બંધડી ગામે રહે છે. તા.9/9 ના તેઓ કોર્ટમાં નોકરી પૂર્ણ કરી બાઇક પર બંધડી પોતાના ઘરે જઇ રહ્યા હતા ત્યારે સ્મશાન પુલિયો ઉતરતાં સી.સી. ગોડાઉન સામે પાછળથી પૂરપાટ ધસી આવેલા ટ્રક ચાલકે તેમની બાઇક અડફેટે લેતાં મોઢા, છાતી, સાથળ જમણા હાથ અને પગમાં ઇજા તેમજ સાથળની ફાટી ગયેલી ચામડીમાં કાંકરા જવાને કારણે મસલ્સ અને લીગામેટમાં ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રક ચાલક વિરૂધ્ધ તેમણે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સપનાનગર રોડ પર બાઇક ચાલકે રાહદારીને અડફેટે લેતાં કોમામાં સર્યો
સપનાનગર રોડ પર અજાણ્યા બાઇક ચાલકે રસ્તે પસાર થતાં યુવકને ટક્કર મારતા ગંભીર ઇજાઓ થઇ હતી. પોલીસે જણાવ્યુ કે મુળ ઉત્તરપ્રદેશના હાલે ગાંધીધામ રહેતા ઉમેશ લક્ષ્મીશંકર યાદવ તેના સહકર્મી પવનકુમાર કેવત સાથે તા.7/9 ના રોજ રાત્રે સવા નવ વાગ્યે સપનાનગર રોડ પર પગપાળા ચાલી જમવા જઇ રહ્યો હતો ત્યારે પૂર ઝડપે આવેલા બાઇક ચાલકે ઉમેશને અડફેટે લેતાં માથામાં અને ખભાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં તે કોમામાં ચાલ્યો ગયો હોવાની જાણ તેના સાથીદાર પવનકુમારે યુપી રહેતા તેમના પરિવારને કરી હતી. ગંભીર ઇજાગ્રસ્ત યુવકના ભાઇ નિતેશકુમાર લક્ષ્મીશંકર યાદવે બી-ડિવિઝન પોલીસ મથકે બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...