કાર્યવાહી:શક્તિનગરમાં ઘરમાં ઘૂસેલા 4 શખ્સોએ વૃદ્ધને છરી મારી 30 હજારની લૂંટ ચલાવી

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ સંકુલમાં હથિયારધારી તત્વો આવા બનાવને અંજામ આપે તેમાં સલામતી ક્યાં ?
  • રોકડ, ચાંદીના સિક્કા મોબાઇલ તેમજ બેંકના જરૂરી કાગળો અને ક્રેડિટ કાર્ડ લઇ ગયા

ગાંધીધામ સંકુલમાં છેલ્લા ઘણા સમયથી છરીની અણીએ લૂંટ કે છરી મારીને લૂંટને અંજામ અપાયો હોવાની ઘટના બાદ હવે ગત રાત્રે તો પોશ ગણાતા શક્તિનગર વિસ્તારના ઘરનો દરવાજો તોડી એકલા રહેતા વૃધ્ધ વેપારીને માર માર્યા બાદ છરીથી ઇજા પહોંચાડી રોકડ, ચાંદીના સિક્કા, મોબાઇલ, બેંકના કાગળો અને ક્રેડિટ કાર્ડ લઇ જઇ લૂંટને અંજામ આપ્યો હોવાની ઘટનાથી એક વાત ચોખ્ખી છે કે સંકુલમાં આવા હથિયારધારી તત્વો આવા બનાવોને અંજામ આપતા હોય તો સલામતી ક્યાં ?

સેક્ટર-1 શક્તિનગરમાં પત્ની નંદિનીબેનના અવસાન બાદ એકલા રહેતા અને મેઇન બજારમાં ઉત્તમ ક્લોધીન સ્ટોર ચલાવતા 73 વર્ષીય વેપારી તારાચંદભાઇ આલુમલ લખવાણી મંગળવારે રાત્રે નવ વાગ્યે દુકાન બંધ કરી ઘરે આવ્યા હતા. જમીને તેઓ ટીવી જોઇ રહ્યા હતા ત્યારે કોઇ અજાણ્યા ચાર 25 થી 30 વર્ષના લાગતા ઇસમો તેમના ઘરનો દરવાજો તોડી અંદર ઘૂસી આવ્યા હતા.

એક ઇસમના હાથમાં છરી હતી અને બુઢ્ઢા તારી પાસે જે કંઇ હોય તે આપી દે કહી ચારે જણાએ તેમને માર માર્યો હતો અને પ્રતિકાર કરવા જતાં છરી વડે પણ પીઠ, હાથના ભાગે ઇજાઓ પહોંચાડી કબાટનો દરવાજો તોડી રૂ.20,000 રોકડ, રૂ.3,000 ની કિંમતના ચાંદીના 12 સિક્કા, રૂ.7,000 ની કિંમતનો મોબાઇલ ફોન , બેંકના જરૂરી કાગળો તેમજ ક્રેડિટ કાર્ડ મળી કુલ રૂ.30,000 ની લૂંટને અંજામ આપી ચાલ્યા ગયા હતા.

આ ઘટના બાદ ઇજાગ્રસ્ત વૃધ્ધ વેપારીએ ગુરૂકુળ ખાતે રહેતા પુત્ર દિપકને જાણ કરતાં પુત્ર સાથે ભત્રીજા સુરેશભાઇ અને રોહિતભાઇ પહોંચી આવ્યા હતા અને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા. તેમણે અજાણ્યા ચાર ઇસમો વીરૂધ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઇ પી.સી.મોલિયાએ વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના પોશ વિસ્તારમાં આવી ઘટનાથી રહેવાસીઓમાં ફેલાયો ભય
ગાંધીધામના પોશ ગણાતા આ શક્તિનગર વિસ્તારમાં આ પ્રકારની ઘટના બનવાથી આ વિસ્તારમાં રહેતા રહેવાસીઓમાં ભય ફેલાયો હતો, રાત્રે આ સુમશાન બની જતા વિસ્તારમાં સઘન પોલીસ પેટ્રોલિંગ કરવામા઼ આવે તેવી માંગ સાથે આ ઘટનાને અંજામ આપનાર આરોપીઓને તાત્કાલિક પકડી કડક સજા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...