વાહન ચોરોનો વધતો જતો આતંક:ગાંધીધામ-આદિપુરમાં વધુ 4 બાઇકોની ઉઠાંતરી; કુલ રૂ. 1.25 લાખની કિંમતનાં વાહનો ઉઠાવી ચોર શખ્સો ફરાર

ગાંધીધામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ અને આદિપુર સંકુલમાં વાહન ચોરી કરતી ગેંગ સક્રિય હોય તેમ વધુ ચાર વાહન ચોરીની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. અંતરજાળ રહેતા અને વોપેક કંપનીમાં કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટીવ તરીકે ફરજ બજાવતા હરીશભાઇ ઇશ્વરનાથ ઝા તા. 5 સપ્ટેમ્બરના રોજ રાબેતા મુજબ તેમના ભાઇની માલિકીની રૂ. 70 હજારની બાઇક ઓશિયા મોલ પાસે પાર્ક કરી કંપનીની બસમાં નોકરી પર ગયા હતા. જ્યાં સાંજે સાડા સાત વાગ્યે પરત ફર્યા ત્યારે બાઇક જોવા ન મળતાં તેમણે જાતે શોધખોળ કરી. પરંતુ ભાળ ન મળતાં આ બાઇક ચોરી થઇ હોવાની ફરિયાદ તેમણે એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી.

ચાર બાઈકોની ચોરીની પોલીસ ફરિયાદ નોંધાઈ
અંજારના માથક રહેતા ટ્રાન્સપોર્ટર ભાવેશભાઇ પાંચાભાઇ કરશનભાઇ ડાંગરે ગાંધીધામના નિલકંઠ ચેમ્બર્સમાં આવેલી પોતાની ઓફિસ બહાર તા. 1 સપ્ટેમ્બરની સવારે 10 વાગ્યે પાર્ક કરેલી રૂ. 25 હજારની કિંમતની બાઇક ચોરી થઇ હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી. શહેરના એસડીએક્સ-77 સાઉથમાં રહેતા અંશ બેકરીના માલિક નરેશભાઇ દોલતરામ ખુશાલાણીએ તા. 6 સપ્ટેમ્બરની રાત્રે એક વાગ્યે પોતાની રૂ. 20 હજારની કિંમતની બાઇક ઘર પાસે પાર્ક કરી હતી. બીજા દિવસે સવારે 6 વાગ્યે બહાર આવીને જોયું તો બાઇક જોવા મળી ન હતી. જાતે તપાસ કરી પણ ભાળ ન મળતાં તેમણે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તો અંજારના મેઘપર કુંભારડી રહેતા હિરેનગીરી હંસાગીરી ગોસ્વામીએ આદિપુર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની માલીકીની રૂ. 10 હજારની કિંમતની બાઇક તેમના નાના ભાઇએ તા. 3 સપ્ટેમ્બરના સવારે 5 વાગ્યે આદિપુર બસ સ્ટેશન પાછળના ભાગે પાર્ક કરી તે બપોરે બે વાગ્યા સુધીમાં ચોરી થઇ હોવા નું તેમણે આદિપુર પોલીસ મથકે કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...