દુર્ઘટના:અકસ્માતોમાં 4 ગાંધીધામવાસીના મોત, રાજસ્થાનમાં બે માર્ગ અકસ્માત

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનના બાડમેર રોડ અને બ્યાવર – પિંડવાડા ફોર લેન પર બે અલગ અકસ્માતમાં લોકોએ જીવ ગુમાવ્યા

રાજસ્થાનમાં બે અલગ જીવલેણ અકસ્માતમાં ગાંધીધામના ચાર રહેવાસીઓએ જીવ ગુમાવ્યાની ઘટના બનવા પામી હતી. બાડમેર પાસે ગાંધીધામથી ફરવા ગયેલા મીત્રોની કાર પલટી મારી જતા બેના મોત થયા હતા. તો બીજો અકસ્માત કોટપુતલીમાં દેવદર્શને જતા પરિવારને નડ્યો, જેમાં પણ બેના મોત નિપજ્યા અને ત્રણ ઘાયલ થયા હતા.

ગાંધીધામથી જેસલમેર ફરવા માટે જતા પાંચ મીત્રોથી સવાર કાર જેસલમેરથી 8 કિલોમીટર દુર બાડમેર રોડ પર અંકુશ ગુમાવીને પલટી મારી ગઈ હતી. સ્થાનિક સુત્રોએ જણાવ્યું કે કારમાં સવાર 35 વર્ષીય ગોપાલ પીથાભાઈનું સ્થળ પરજ મોત નિપજ્યું હતું. તો 30 વર્ષીય મનીષ મ્યાજલભાઈને જવાહર હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમણે દમ તોડી દીધો હતો.

આ સિવાય કાર સવાર વીરમ રાણા, જગદીશ લાખા, રમેશ કાના ઘાયલ છે, જેમને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે, કોટવાલ્ની પોલીસને જાણ થતા તેવો સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી, પ્રાથમિક સ્તરે આ અકસ્માતનું કારણે શરાબને મનાઈ રહ્યું છે, કેમ કે કારમાં દારુની બોટલો વિખેરાયેલી પડેલી હતી. કાર કોઇ રીતે કંટ્રોલ બહાર જઈને માઈલ સ્ટોનથી અથડાઈ અને રોડની નીચે ઉતરીને ઝાડીઓની ટક્કરથી ઉભી રહી, જેમાં એક યુવક બહાર ફેંકાઈ ગયો, જેને બહાર પડેલા પથ્થરો સાથે માથુ અથડાતા ગંભીર ઈજા થઈ હતી.

બીજી ગમખ્વાર દુર્ઘટના રવિવારના સવારે સિરોહી જિલ્લાના બ્યાવર પિંડવાડા ફોરલેન પર બની. ગાંધીધામથી કોટપુતલી જતા પરિવારની કાર આગળ ચાલતા ટ્રેઈલરમાં ઘુસી ગઈ હતી, જેના કારણે બેના સ્થળ પરજ મોત નિપજ્યા હતા, તો ત્રણ ઘાયલ સારવાર હેઠળ છે.

સ્થાનિક ચાંદાના પોલીસના સુત્રોએ જણાવ્યું કે ગાંધીધામથી કોટપુતલી જતી આ કાર રવિવારના સવારે 11 વાગ્યે ચાંદાના પુલીયા પાસે આગળ ચાલતા ટ્રેઈલર સાથે તીવ્ર ગતીથી અથડાઈ ગઈ હતી, ટક્કર એટલી ગંભીર હતી કે કારનો બુકડો વડી ગયો હતો.

કારમાં સવાર ચાલક ભીમસિંહ તેજસિંહ રાજપુત, ભૈરુસિંહ બાબુસિંહ રાજપુતનું સ્થળ પર મોત નિપજ્યું. તો દશરથસિંહ ભેરુસિંહ, શંભુસિંહ રામસિંહ અને રઘુવીરસિંહ ભીમસિંહ ઘાયલ થયા હતા. અકસ્માત થતા આસપાસના ઢાબા ચલાવતા લોકો સ્થળ પર મદદે દોડી આવ્યા હતા. સિવગંજ પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી.

એક અકસ્માતમાં ઓવરટેકનો પ્રયાસ, બીજામાં શરાબ જવાબદાર હોવાનું પ્રાથમિક તારણ
ગાંધીધામથી જેસલમેર ફરવા જતા પાંચ મિત્રોના થયેલા અકસ્માતમાં પ્રાથમિક તપાસમાં કારમાં વિખેરાયેલી દારુની બોટલો મળી આવી હતી, સ્થાનિક સુત્રોએ જણાવ્યું કે ઘાયલોમાંથી તીવ્ર ગંધ આવતી હતી,જોકે ચાલકે શરાબ પીધો હતો, કે નહિ. તે તપાસનો વિષય છે. બીજી તરફ ગાંધીધામથી કોટપુતલી માટે જતા પરિવારને નડેલા અકસ્માતમાં પરિવાર મંદિરના દર્શન માટે જતું હોવાનું સામે આવ્યું હતુ, પ્રાથમિક સ્તરે તીવ્ર ગતીથી ઓવરટેક કરવાના પ્રયાસમાં અકસ્માત સર્જાયાનું સ્થાનિકો જણાવી રહ્યા છે, જોકે પોલીસ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...