કાર્યવાહી:ભચાઉની બંધ કંપનીમાંથી 3 માસ પહેલાં ચોરી કરનાર 4 પકડાયા

ગાંધીધામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 50 હજારનો કેબલ અને 45 હજારની 3 ઇલેક્ટ્રીક મોટરો કબજે કરાઇ

ભચાઉ નજીક આવેલી અને બંધ પડેલી યુરો કંપનીના પ્લાન્ટમાંથી ત્રણ માસ અગાઉ ચોરી કરનાર 4 શખ્સ તે જ કંપની સામેથી રૂ.50 હજારના ચોરાઉ 200 મીટર કેબલ તથા રૂ.45,000 ની કિંમતની 3 ઇલેકટ્રીક મોટર મળી કુલ રૂ.95 હજારના ચોરાઉ માલ સાથે સ્થાનિક પોલીસે પકડી લીધા હતા. મદદનિશ પોલીસ અધિક્ષક આલોકકુમારે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભચાઉ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ત્રણ માસ પહેલાં યુરો કંપનીના બંધ પડેલા પ્લાન્ટમાંથી ચોરી કરાયેલો મુદ્દામાલ લઇને ચાર આરોપીઓ વેંચાણ કરવા ભચાઉ થી દુધઇ તરફ જઇ રહ્યા છે.

આ બાતમીના આધારે યુરો કંપની સામે વોચ ગોઠવી બાતમી મુજબનું વાહન આવતાં રોકી તલાશી લેતાં ત્રણ માસ પહેલાં યુરો કંપનીમાંથી ચોરેલા રૂ.50,000 ની કિંમતના 200 મીટર કેબલ અને રૂ.45,000 ની કિંમતની 3 ઇલેકટ્રીક મોટરો મળી ચોરીમાં ગયેલો તમામ રૂ.95,000 નો મુદ્દામાલ રીકવર કરી લાકડિયાના રામજી છગન કોલી, જુનાવાડા વિસ્તારમાં રહેતા જયંતિ ભીખાભાઇ કોલી, રમેશ અરજણ કોલી અને માવજી શંભુભાઇ કોલીને પકડી લઇ વાહન સહિત કુલ રૂ.2,95,000 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ પુછપરછ હાથ ધરાઇ છે. આ કામગીરીમાં પીઆઇ આર.આર.વસાવા અને સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...