ભચાઉના લાકડિયા પોલીસે જપ્ત કરેલા વાહનો પૈકી 33 વાહનો અંજાર આરટીઓના બોગસ રસીદો બતાવી છોડાવાયા હોવાનું કૌભાંડ બહાર આવતાં આઇએમવીના જુનિયર ક્લાર્કે આ બોગસ દસ્તાવેજો બનાવી સરકારી તિજોરીને રૂ.1.99 લાખનું નુકશાન પહોંચાડાયું હોવાની ફોજદારી લાકડીયા પોલીસ મથકે નોંધાવી હતી.
આરટીઓની બોગસ રસીદ પર પોલીસ મથકમાંથી મુક્ત થયેલાં વિવિધ વાહનોના રજિસ્ટ્રેશન નંબર સાથે અંજાર આરટીઓના જૂનિયર ક્લાર્ક ધીરેન ગુંસાઈએ લાકડીયા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.29/4/2022ના રોજ લાકડીયા પોલીસે ડીટેઈન કરેલી GJ-12 DQ-0541 નંબરની મોટર સાયકલને આરટીઓમાં દંડ ભર્યાની બોગસ પહોંચના આધારે મુક્ત કરી દેવાઈ હોવાના પ્રગટ થયેલાં અહેવાલોના આધારે અંજાર આરટીઓએ ઝીણવટભરી તપાસ કરતાં આ કૌભાંડ બહાર આવ્યું છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2022 થી તાફ23/4/2022 દરમિયાન લાકડિયા પોલીસે ડીટેઇન કરેલા વાહનો પૈકી 33 વાહનો બોગસ રસીદ પર મુક્ત કરી દેવાયા છે. તેમણે આ તમામ વાહનોના નંબર સહિત ફરીયાદ નોંધાવી જણાવ્યું હતું કે, આ કૌભાંડને કારણે સરકારી તિજોરીને રૂ.1,99,500 નું નુકશાન પહોંચ્યું છે. તેમણે નોંધાવેલી ફરીયાદના આધારે પીઆઇ આર.આર.વસાવાએ વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય પોલીસ મથકોમાંથી પણ વાહન છોડાવાયા હોવાની શક્યતા
આરટીઓની બોગસ રસીદ અને ખોટાં સહી-સિક્કાના આધારે વાહનો છોડાવી જવાનું કૌભાંડ કચ્છમાં લાંબા સમયથી ચાલી રહ્યું છે. આરટીઓ કર્મચારીની સિસ્ટમના લોગ ઈન પાસવર્ડ ચોરી લઈને વાહનો પર ભરવાપાત્ર વેરો સાવ નજીવો ભરવો, બોગસ આરસી બૂક પર બારોબાર બીજાનું વાહન અન્યના નામે તબદીલ કરી દેવું જેવા કૌભાંડો પણ ભૂતકાળમાં બહાર આવી ચૂકેલાં છે. ત્યારે લાકડિયા પોલીસે જપ્ત કરેલા 33 વાહનો ખોટી રસીદ બતાવી છોડાવી જવાના બહાર આવેલા કૌભાંડ બાદ અન્ય પોલીસ મથકોમાંથી પણ વાહનો છોડાવીને લાખ્ખોનું કૌભાંડ આચરાયું હોવાની શક્યતા નકારી ન શકાય.
33 પૈકી 24 કચ્છ પાસિંગના વાહનો, 3 નંબર પ્લેટ વગરના
લાકડિયા પોલીસે ડીટેઇન કરેલા 33 વાહનો આરટીઓની નકલી પહોંચ બતાવી છોડાવાયા હોવાની ફરિયાદમાં 33 વાહનો પૈકી 24 કચ્છ પાસિંગના, એક મહારાષ્ટ્ર પાસિંગનું, એક એક વાહન મોરબી, આણંદ, મહેસાણા, દ્વારકા અને રાજકોટ પાસિંગનું છે, તો એક ટ્રક્ટર, 1 ઇનોવા કાર અને એક બાઇક નંબર પ્લેટ વગરના હોવાનું જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.