ધરપકડ:મીઠીરોહર GIDCમાંથી 1.22 લાખની ખાંડ ચોરનાર 3 જબ્બે

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બોલેરો, ખાંડની 10 બોરી સાથે 3.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

મીઠીરોહર જીઆઇડીસીમાં આવેલા ગોદામમાંથી 1.22 લાખની ખાંડની ચોરી કરનાર ત્રણ આરોપીઓને પકડી લઇ બી-ડિવિઝન પોલીસે બે દિવસમાં જ આ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો, જો કે હજી બે આરોપીઓ પકડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પીઆઇ એમ.એન.દવેએ વિયતો આપતાં જણાવ્યું હતું કે, મીઠીરોહર જીઆઇડીસીમાં આવેલા એચઆરએમએમ એગ્રો ઓવરસિસ પ્રા.લિ. ના ગોદામની દિવાલમાં કાણું પાડી તસ્કરો તા.11/12 થી તા.31/12 દરમિયાન રૂ.1.22 લાખની કિંમતની ખાંડની બોરીઓ ચોરી કરી ગયા હોવાની ફરિયાદ કંપનીના એકાઉન્ટન્ટ હિતેષભાઇ પરષોત્તમભાઇ ગંગવાણીએ તા.4/1 ના રોજ નોંધાવી હતી.

આ ફરિયાદ નોંધાયા બાદ જુદી જુદી ટીમો બનાવી આ ચોરીનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કરાયા હતા તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી મળેલી બાતમીના આધારે આ ખાંડ ચોરી કરનાર ખારીરોહરના જાકુબ ઉર્ફે જેકી જાકીર ઇબ્રાહિમ બુચડ, કાદર નૂરમામદ પરીટ અને કાર્ગો યાદવનગરમાં રહેતા ગોકુળ ઉર્ફે વિપુલ કનુભાઇ ભરવાડને પકડી લઇ રૂ.8,500 ની કિંમતની ખાંડની 10 બોરીઓ, રૂ.3.50 લાખની બોલેરો પીક અપ ડાલુ અને રૂ.6,000 ની કિંમતના 3 મોબાઇલ સહિત કુલ રૂ.3,64,500 ના મુદ્દામાલ સાથે પકડી લઇ બે દિવસમાં જ ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો.

જો કે આ ગુનામાં સંડોવાયેલા ખારીરોહરના ઇલિયાસ ઇસ્માઇલ ટાંક અને આદિપુર રહેતા મનિષાબેન મહેશ્વરીને પકડવાના બાકી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. નોંધવું રહ્યું કે, તાજેતરમાં આરોપીઓ ઝડપવામાં ન આવતા હોવાની રજૂઆત કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે, મીઠીરોહર જીઆઇડીસીથી ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે.

અન્ય સમાચારો પણ છે...