વિદેશથી દારુ લઈ આવેલા બે સહિત કુલ ત્રણ મિત્રો મોંઘી દારુની બોટલો સાથે કારમાં ભુજ જતા અંજાર પાસે ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસે 42 હજારના દારુ અને બીએમડબ્લ્યુ કાર સહિત કુલ 10.42 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.અંજારના કળશ સર્કલ પાસે ઉભેલી બીએમડબ્લ્યુ કારમાં પોલીસે તલાશી લેતા તેમાથી દારુની વિદેશી અને મોંઘી બોટલો મળી આવી હતી. સમગ્ર ઘટનાક્રમ એવો બન્યો કે વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને પોલીસે સઘન તપાસ શરૂ કરી છે ત્યારે મંગળવારના રાત્રે અંજારના કળશ સર્કલ પાસે બીએમડબ્લ્યુ કાર ઉભેલી હતી.
જેની પોલીસે તપાસ કરતા તેની ડીકીમાંથી નાની મોટી વિદેશી દારુની 8 બોટલ, બે પાસપોર્ટ, દુબઈ એરપોર્ટના દારુની બીલ, એક બોર્ડીંગ પાસ મળી આવ્યા હતા. જે સાથે પોલીસે કારમાં સવાર ભાવિન મોહનભાઈ ઠક્કર, મયુરભાઈ વિનોદભાઈ ઠક્કર (રહે. બન્ને ભુજ) અને સાજણ ભીખાભાઈ રબારી (રહે. જડોદર, નખત્રાણા) ની અટકાયત કરી હતી.
પોલીસે પુછપરછ કરતા આરોપીઓ પાસે દારુની પરમીટ ન હોવાનું જણાવીને કહ્યું હતું કે ભાવિન અને મયુર દુબઈથી પરત આવીને પોતાના વતન ભુજ જતા હતા ત્યારે દુબઈથી ડ્યુટી ફ્રી શોપમાંથી આ બોટલો લીધી હતી. દારુની કિંમત 42,435 અને બીએમડબ્લ્યુ કારની કિંમત 10 લાખ ગણીને અંજાર પોલીસે કુલ 10,42,435 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. ત્રણેય વિરુદ્ધ અંજાર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો.
દુબઈથી ડ્યુટી ફ્રી શોપથી દારુ લાવવાનો ધારો જુનો છે!
દુબઈથી આવતા લોકોને બે દારુની બોટલ લઈ આવવાની છુટ છે તે એકપ્રકારનો સંદેશ કે માન્યતા સ્થાનિક ધોરણે ફેલાયેલી છે. જે આધારે પોતાના બગલ થેલા અને મુખ્ય બેગમાં પ્યાસીઓ વર્ષોથી આ માન્યતાને અનુસરીને બોટલો લાવતા રહ્યાની ચર્ચા છે. ખરેખર શું નિયમો છે તે અંગે લોકોમાં સ્પષ્ટતા આવે તે માટે પ્રશાસન દ્વારા સીધો સંદેશ જવો જરૂરી છે.
ગાંધીધામ રેલવે સ્ટેશનથી બે ક્વાટરીયા સાથે 1 ઝડપાયો
મંગળવારના સવારે ગાંધીધામ રેલવે સ્ટેશનના મુખ્ય દ્વાર પાસે રેલવે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે લોકો વચ્ચેથી છુપતો છુપાયો એક વ્યક્તિ પસાર થતો હોવાનું જોઇને તેને રોકાવીને તેની પાસે રહેલા પીઠુબેગની તપાસ કરાઈ હતી. જેમાંથી દારુના બે ક્વાટરીયા મળી આવતા ગાંધીધામ રેલવે પોલીસે ઈફ્કો ટાઉનશીપમાં રહેતા અને નોકરી કરતા અર્જુનકુમાર લાલચંદભાઈ વઢવાની સામે ગુનો નોંધીને 280ની કિંમતના ગણી બન્ને ક્વાટરીયા જપ્ત કર્યા હતા.
રોટરીનગરમાં ઘરથી દારુની 4 બોટલ મળી, આરોપી છૂ
ગાંધીધામ બી ડિવિઝન પોલીસે આરોપી લાલજી પેથાભાઈ સીજુ સામે નોંધેલા ગુના અનુસાર તે પોતાના ઘરેથી દારુની બોટલો વેંચતો હોવાની જાણકારી મળતા પોલીસે સ્થળ પર પહોંચીને ઘરનો દરવાજો ખટકાવીને બુમ પાડતા કોઇ મળવા પામ્યું નહતું. ઘરની તપાસ કરતા રુમમા પડેલા એક થેલામાંથી દારુની ચાર બોટલ મળી આવી હતી. પોલીસે 1500ની મતા જપ્ત કરીને આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.