ઠંડી વધતા જ તસ્કરોમાં આવી ગરમી:અપનાનગરના બે બંધ ઘરના તાળા તોડી 2.12 લાખની ચોરી કરાઈ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોશ વિસ્તારના બે ઘરમાં તસ્કરોએ ખાતર પાડ્યુ
  • નિવૃતના ઘરના લોકર તોડીને 1.42 લાખની, તો રેલવે સુપરવાઈઝરના ઘરમાંથી 70 હજારના આભૂષણની તસ્કરી

ગાંધીધામના પ્રાઈમ વિસ્તારોમાંથી એક ગણાતા એવા અપનાનગરમાં ગત ત્રણ દિવસમાંજ બે ઘરફોડ ચોરીને અંજામ અપાતા ચકચાર મચી હતી. બન્ને બંધ ઘરમાં થયેલી ચોરીમાંથી કુલ 2.12 લાખના સોના ચાંદીની ચીજવસ્તુઓ ચોરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

ગાંધીધામના એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી બે ફરિયાદોમાંથી એક નિવૃત જીવન ગાળતા નારાયણભાઈ ભાગચંદભાઈ મુલચંદાણીએ જણાવ્યું કે મકાન નં. એ-76માં ગત 30/01 થી 01/01ના સમયગાળા દરમ્યાન કોઇ પણ સમયે તસ્કરોએ તેમના ઘરમાં તાળુ તોડીને લોખંડના કબાટનું લોક તોડીને લોકરમાં રાખેલા સોના ચાંદીની 1.42 લાખની ચીજ વસ્તુઓને ચોરી કરી હતી. તો બીજી ફરિયાદ એ આજ વિસ્તારમાં અપનાનગરમાં બી 154 રહેતા અને રેલવેમાં સુપરવાઈઝર તરીકે ફરજ નિભાવતા દિપકભાઈ ફાન્સીસ લોબોએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે ગત 31મી ડિસેમ્બર થી 2 જાન્યુઆરીના કોઇ પણ સમયે અજાણ્યા આરોપીઓએ તેમના બંધ ઘરના તાળા તોડીને પ્રવેશ કર્યો હતો,

અને લાકડાના કબાટનું લોક તોડીને કબાટની અંદર રાખેલી 70 હજારની કિંમતની સોનાની ચીજવસ્તુઓની ચોરી કરી હતી. પોલીસે બન્ને ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી હતી, નોંધવું રહ્યું કે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક અપનાનગર વિસ્તારથી થોડા મીટર દુર ગોપાલપુરીમાંજ વસવાટ કરે છે ત્યારે પ્રાઇમ એરિયા ગણાતા અપનાનગરમાં નવા વર્ષેજ ઘરફોડ ચોરીની બે ઘટના સામે આવતા ચકચાર મચી હતી.

અંજારના સવાસેર નાકા પરથી 50 હજારની બાઈક ઉપડી ગઈ
અંજારના સવાસર નાકા તળાવ બહાર પાછળના ગેટ પાસે ફરિયાદી કૃપેશ વ્રજલાલ સોનેજીએ ગત 24/12ના બપોરે પોતાની બાઈક પાર્ક કરી હતી ત્યારે માત્ર એકજ કલાકના ગાળામાં કોઇ અજાણ્યા ઈસમે 50 હજારની મોટર સાઈકલ ચોરી કરી જતા પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી.

શિયાળામાં વધતી ચોરીની ઘટનાઓ
શિયાળાની ઋતુમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ દર વર્ષે વધી જાય છે. ઠંડીની સીઝનમાં દરેક પરિવાર, લોકો ઘરને ઠંડીથી બચવા સંપુર્ણ રુપે બંધ કરી દેતા હોવાથી બહારનો કોઇ અવાજ આવતો નથી. પરિણામ સ્વરુપ બંધ ઘરોમાં કે બહાર પડેલા સામાનની ચોરી કરવી તસ્કરો માટે વધુ આસાન થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...