હેરોઈનને ભઠ્ઠીમાં સળગાવાશે:મુન્દ્રા પોર્ટથી જપ્ત થયેલું 21 હજાર કરોડનું ડ્રગ્સ આજે થશે આગ હવાલે!

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ થી લાકડીયા લઈ જઈને 3 હજાર કિલો હેરોઈનને ભઠ્ઠીમાં સળગાવાશે
  • દેશભરમાં એક સાથે 16 સ્થળોએ થશે ડ્રગ્સ ડિસ્ટ્રક્શન, નાણામંત્રી વર્ચ્યુઅલી રહેશે ઉપસ્થિત

ગત વર્ષે મુંદ્રા પોર્ટથી ઝડપાયેલા ત્રણ હજાર કિલો હેરોઈન કે જેની કિંમત 21 હજાર કરોડ આંકવામાં આવી હતી, આજે તેને આગ હવાલે કરી દેવાશે. આજે સવારે ત્રણ ટન હેરોઈનના જથ્થાને કંડલા, ગાંધીધામથી લાકડીયાની વેસ્ટ ડિસ્પોઝલ ભઠ્ઠીમાં લઈ જવાશે, જ્યાં તેનો નાશ કરી દેવાશે.

16 સપ્ટેમ્બર, 2021ના અફઘાનિસ્તાનથી વાયા ઈરાન થઈને મુદ્ન્રા પોર્ટ પર આવેલા બે કન્ટેનરમાં ડિક્લેર ટેલ્ક પાવડર સાથે ત્રણ હજાર કિલો હેરોઈન ડ્રગ્સનો જથ્થો ડીઆરઆઈએ ઝડપી પાડ્યો હતો, ‘હાઈ ક્વોલીટી’ ના આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 21 હજાર કરોડ થાય છે. ત્યારે આ જથ્થો ઝડપાય બાદ વાયુવેગે સમગ્ર દેશમાં આ વિગતો પ્રસરી અને બાબત ચર્ચાના ચકડોળે ચડી હતી.

આટલી જંગી મોટી માત્રામાં એક સાથે જથ્થો ઝડપાવાની આ માત્ર ભારતની નહિ, પરંતુ વિશ્વની પણ પ્રથમ ઘટના કહેવાઈ રહી હતી. આ બાદ મુંબઈમાં જાણીતા ફિલ્મ સ્ટારના પુત્રને પણ ડ્રગ્સ ઉપયોગના અલગ કેસમાં પકડાયો ત્યારે ફરી મુંદ્રા ડ્રગ્સ કેસ દેશભરમાં રીફરન્સ માટે છવાયેલો રહ્યો હતો.

ડ્રગ્સ બાબતે સરકાર કેટલી કડક છે, તેનો સંદેશ આપવા આખરે એક વર્ષથી પણ ઓછા ગાળમાં નાણા મંત્રાલયના નેજા હેઠળ માત્ર મુંદ્રા નહિ, પરંતુ દેશભરમાં અલગ અલગ સ્થળોએથી જપ્ત ડ્રગ્સ કે નશાયુક્ત સામગ્રીનું એક સાથે મંગળવારે નાશ કરવામાં આવશે, જેમાં કચ્છ સાથે બેંગ્લોર, દિલ્હી, મુંબઈ, પટના, પુને સહિત કુલ 16 સ્થળોએ એક સાથે ડ્રગ્સનો 42 હજાર કિલોથી વધુનો જથ્થો આગ હવાલે કરાશે.

કંડલા કસ્ટમના સ્ટ્રોંગ રૂમ અને બીએસએફ કેમ્પમાં રખાયેલો જથ્થો આજે પોલીસ બંદોબસ્ત સાથે કઢાશે
ત્રણ ટન એટલે કે ત્રણ હજાર કિલો હેરોઈન ડ્રગ્સનો જંગી જથ્થો રાખવામાં કસ્ટમનું સ્ટ્રોંગ રુમ પણ નાનુ પડ્યું હતું. ત્યાં જેટલો જથ્થો સગ્રહિત થયો એટલો કરીને બાકીનો દેશના જાંબાજ સુરક્ષા દળ બીએસએફ કેમ્પમાં રખાયો છે. બન્ને સ્થળોએથી જથ્થો એકત્ર કરીને નાશની પ્રક્રિયા માટે આજે આગળ વધશે.

42 હજાર કિલો ડ્રગ્સ, 17 લાખ ટેબ્લેટ, 72 હજાર સીરપ બોટલ, 16 હજાર વાઈલનો નાશ કરાશે
મીનીસ્ટ્રી ઓફ ફાયનાન્સ અંતર્ગત આજે સીજીએસટી, કસ્ટમ ફીલ્ડ ફોર્મેશન દ્વારા ડ્રગ્સ ડિસ્ક્ટ્રશન દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત અમદાવાદ ઝોનમાં કચ્છ અને અંકલેશ્વરમાં તે સહિત અન્ય દસ ઝોનમાં અત્યાર સુધી જપ્ત થઈને પડેલા કુલ 42,054.104 કિલો અલગ અલગ પ્રકારના ડ્રગ્સ, 17,10,845 ટેબ્લેટ, 72,757 બોટલ કફ સીરપ અને 16,336 ઈન્જેક્શનના વાયલ્સનો સમાવેશ થાય છે. વિશ્વમાં એક સાથે આટલી મોટા પ્રમાણમાં કદાચીત પ્રથમ વાર ડ્રગ્સનો એકસાથે નાશ થઈ રહ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...