ઘઉંની નિકાસ પર પ્રતિબંધને પગલે કંડલા પોર્ટ અને તેની બહાર અંદાજે 20 લાખ ટન ઘઉંનો જથ્થો અટવાયો છે. બે દિવસ પહેલાં નિકાસ પર પ્રતિબંધની જાહેરાત થઈ ત્યારે ચાર જહાજ પર કસ્ટમ ઓથોરિટીએ ઘઉં લોડ કરવાનું કામ અટકાવી દીધું હતું. આ જહાજો દરિયામાં અટવાયા છે. ઘઉંની મોટાભાગની નિકાસ કંડલા પોર્ટથી થાય છે.
નિકાસ પર પ્રતિબંધ પહેલાં જ વિવિધ રાજ્યોમાંથી ગુડ્સ ટ્રેન, ટ્રકો મારફતે અહીં ઘઉં ખડકાયા હતા. સૂત્રોના મતે, કંડલામાં ખુલ્લામાં કે ગોદામોમાં પડેલા ઘઉંનું લોડિંગ અટકતા નિકાસકારોએ 15 દિવસની રાહત માંગી છે. હાલ અહીં આઠ લાખ ટન ઘઉંનો જથ્થો છે, પરંતુ પોર્ટ બહાર પ્રવેશવા રાહ જોતા જથ્થાને ઉમેરીએ તો તે લગભગ 20 લાખ ટન આસપાસ પહોંચે છે.
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આ બંને જે દેશોને ઘઉં મોકલતા હતા તે પણ અટકી ગયા છે. ભારત પાસે ઘઉંનો બફર સ્ટોક હોવાથી નિકાસનો નિર્ણય કરાયો હતો. પરંતુ હાલના સંજોગોમાં ઘઉંના ભંડાર ખાલી ન થઈ જાય માટે નિકાસ પર પ્રતિબંધ લદાયો હતો.
ઘઉં ઉતારવાની રાહમાં દિવસોથી ગરમીમાં શેકાતા ટ્રક ડ્રાઈવરોએ પાણી માટે હુરિયો બોલાવ્યો
ઘઉં ભરેલી ટ્રકો સાથે દેશના વિવિધ રાજ્યોથી આવેલા હજારો ટ્રક ડ્રાઈવરો પોર્ટમાં ઘઉં ઉતારવાની રાહ જોઇ રહ્યા છે. કેટલાક બે-ત્રણ દિવસથી તો કેટલાક અઠવાડિયાથી અહીં છે. ત્યારે 45 ડિગ્રી ગરમીમાં ડ્રાઈવરોને પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ ન મળતી હોવાની રાવ સાથે સોમવારે ડ્રાઈવરોએ હુરિયો બોલાવીને વિરોધ કર્યો હતો. બાદમાં પોર્ટ તંત્રે પાણીની વ્યવસ્થા કરવાની તજવીજ હાથ ધરી હતી.
ગુજરાતની મંડીઓમાં ઘઉંનો ભાવ 200થી 700 રૂપિયા ઘટ્યો
માર્કેટ યાર્ડ | 15-16 એપ્રિલ, 2022 | 16 મે, 2022 |
કેશોદ | 2200 થી 2325 | 2200 થી 2300 |
જૂનાગઢ | 2050 થી 2990 | 2000 થી 2425 |
રાજકોટ | 2190 થી 2605 | 2170 થી 2500 |
અમરેલી | 1910 થી 3305 | 2000 થી 2595 |
મહેસાણા | 2105 થી 2995 | 2075 થી 2660 |
હિંમતનગર | 2200 થી 2950 | 2100 થી 2750 |
મોડાસા | 2090 થી 2775 | 2125 થી 2630 |
આણંદ | 2375 થી 2500 | 2250 થી 2350 |
ખેડા | 2375 થી 2450 | 2250 થી 2300 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.