ગાંધીધામના ઝંડા ચોકમાં કાર ચાલકે બાઇકને ટક્કર મારતા઼ ફાયર બ્રીગેડના કર્મચારી સહિત બે ઇજાગ્રસ્ત થયા હોવાની, તો કંડલાના બંદર ગેટ થી રેલ્વે યાર્ડના કટ પાસે લક્ઝરી બસના ચાલકે અચાનક યુટર્ન લેતાં બાઇક અડફેટે લીધી હતી જેમાં બે યુવાનો ઘાયલ થયા હતા, એકને હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ગણેશનગરમાં રહેતા અને ભુજ ફાયર બ્રીગેડમાં ડીસીપીઓ તરકે ફરજ બજાવતા 28 વર્ષીય ભાવેશભાઇ સોમચંદભાઇ માતંગ તા.16/3 ના રોજ બપોરે સાડા બાર વાગ્યે બાઇક પર દામજીભાઇ સાથે ઝંડા ચોક સર્કલ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પૂરપાટ આવેલા બલેનો કારના ચાલકે તેમની બાઇકને ટક્કર મારતાં તેમને કમરના ભાગે સામાન્ય ફ્રેક્ચર સહિતની ઇજાઓ તથા બાઇકમાં પાછળ બેઠેલા દામજીભાઇને પણ શરીરે નાની મોટી ઇજા પહોંચી હતી. તેમણે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
તો, નવા કંડલાની મહેશ્વરી સોસાયટીમાં રહેતા 18 વર્ષીય શબ્બીર હુસેનભાઇ માંગવાણાએ કંડલા મરિન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગુરૂવારે રાત્રે તેઓ પોતાના કાકાઇ ભાઇ ફિરોઝ ઇસ્માઇલ માંગવાણા જોડે બાઇક પર દિન દયાળ પોર્ટ પાસે અબ્દુલ ગની હોટલ પર ચા લેવા ગયા હતા. પાર્સલ લઇને બન્ને જણા નીકળ્યા ત્યારે રેલ્વે યાર્ડના કટ પાસે જઇ રહેલી લકઝરી બસના ચાલકે અચાનક યુ ટર્ન લઇ તેમની બાઇકને અડફેટે લીધી હતી જેમાં તેમને માથામાં તથા ફિરોઝને માથામાં હેમરેજ સહિતની ઇજાઓ પહોંચી હતી.
બન્ને ઇજાગ્રસ્તોને જૈન સેવા સમિતી હોસ્પિટલ સારવાર અર્થે લઇ જવાયા હતો શબ્બીરે અકસ્માત સર્જનાર લકઝરી બસના ચાલક સામે કંડલા મરિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. એએસઆઇ રણધીરસિંહ ઝાલા આ ઘટનામાં તપાસ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે કંડલા પોર્ટ નજીક રેલ્વે યાર્ડમાં જવાના કટ પાસે અવાર નવાર માર્ગ અકસ્માતોની ઘટના બને છે.
શહેરની અંદર મુખ્ય વિસ્તારમાં પણ બેફામ ગતિ અકસ્માતો માટે જવાબદાર
ગાંધીધામ-આદિપુરને જોડતો ટાગોર રોડ હોય, ગાંધીધામ અને કંડલા વચ્ચેનો સર્વિસ રોડ હોય ત્યાં તો ગતિ મર્યાદા જળવાતી જ નથી, પરંતુ શહેરની અંદરના વિસ્તાર જેવા કે, ચાવલા ચોક, ઝંડા ચોક, લીલાશાહનગર, બેંકિંગ સર્કલ જેવા વિસ્તારોમાં પણ વાહન ચાલકો ગતિ મર્યાદા જાળવતા ન હોવાને કારણે અવાર નવાર નાના મોટા અકસ્માતો બનતા રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.