ગ્રાન્ટ નથી:રોડ માટે 18 કરોડની ગ્રાન્ટ નીતિગત અસ્પષ્ટતામાં અટવાઈ

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામ માટે તૈયારીઓ પુરી, પણ ગ્રાન્ટ આવતી નથી!
  • એડવાન્સ ટેન્ડરીંગનું કહ્યું પણ ચુકવણા માટે સ્પષ્ટતા નહી

ગાંધીધામમાં માર્ગોની ખસ્તાહાલ પરિસ્થિતિ માટે ભભુકેલા જનાક્રોશ જોઇને પાલિકાએ બસ વરસાદ બંધ થવા દો પહેલા જેવા રોડ થઈ જશે નો દાવો કર્યો હતો. પરંતુ એ કામો કરવા માટે જે ગ્રાન્ટની રાહ જોવાઈ રહી હતી, તે પોતે દિવસોથી નીતિગત અસ્પષ્ટતાનો ભોગ ચડી રહી હોય તેવું બહાર આવી રહ્યું છે.

ગાંધીધામ આદિપુર વિસ્તારમાં આ વરસાદ બાદ રોડ રસ્તાઓની પરિસ્થિતિ એટલી ખસ્તા થઈ ગઈ કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. વિપક્ષે મોરચો મોડો માંડ્યો, તે પહેલા જાગૃત નાગરિકોએજ સોશ્યલ મીડીયાથી લઈને પબ્લીક મીટ, કાયદાકીય કાર્યવાહી સુધી વિરોધનો સુર બુલંદ કર્યો હતો. નાગરિકોમાંથી ઉઠતા અવાજોથી સફાળા જાગેલા પ્રશાસને ઠેર ઠેર મલબો નાખવાની પ્રક્રિયા હાથ ધરી હતી. દરમ્યાન વરસાદ ચાલુ હોવાથી કામ ન થતું હોવાનું જણાવ્યું હતું.

પરંતુ છેલ્લા કેટલાક સમયથી વરસાદ બંધ હોવા છતાં ખાડાઓ પુરવા, કે રોડના રીસર્ફેસીંગના કામો શરૂ કરાયા હોય તેવું જોવા મળતું નથી. જે પાછળના કારણોની તપાસ કરતા નગરપાલિકાએ દર વર્ષની જેમ આ વર્ષે વરસાદના કારણે માર્ગોની થયેલી તારાજીને સરભર કરવા જે 18 કરોડ રુપીયાની ગ્રાન્ટની દરખાસ્ત રાખી છે, તે હજી આવી ન હોવાનું સામે આવ્યું હતું. આંતરીક સુત્રોએ જણાવ્યું કે પહેલા એડવાન્સ ટેન્ડરીંગ માટે જણાવાયું હોવાથી ક્યું કામ કોને આપવું તે નીશ્ચીત કરીને તમામ તૈયારીઓ પુર્ણ કરાઈ છે.

પરંતુ આ ગ્રાન્ટ ક્યારે આવશે, કે તેનું ચુકવણુ કઈ રીતે કરાશે તે અંગે અસ્પષ્ટતા હોવાથી કામ શરૂ નથી થઈ રહ્યું. લોકો પારાવાર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે અગ્રણીઓ ઉચ્ચકક્ષાએ અટકેલી બાધાઓને દુર કરવા યુદ્ધના ધોરણે અવાજ ઉઠાવે તે જરૂરી બન્યું હોવાનું શહેરના પ્રબુદ્ધ વર્ગનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...