કિડાણા-તુણા થી રામપર વચ્ચે ગેટકો કંપનીની લાઇનમાંથી રૂ.1.62 લાખની કિંમતના 1,209 મીટર કેબલની ચોરીને તસ્કરો અંજામ આપી ગયા હોવાની ફરિયાદ કંડલા મરિન પોલીસ મથકે કોન્ટ્રાક્ટર કંપનીના ઇજનેરે નોંધાવી હતી. મુળ પશ્ચિમ બંગાળના હાલે અંજાર રહેતા અને દિલદાર ઇલેકટ્રકલ્સમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા સબારેખ હારૂનભાઇ શેખે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમની કંપની ગેટકો કંપનીનું કિડાણા થી રામપર તુણા 66 કેવી લાઇન નાખવાની કામગીરી કરી રહી છે. જે ટાવરોમાં છ તારની લાઇનો હોય છે.
તારીખ 9/6 ના બપોરે તેઓ ઘરે હતા ત્યારે સુપરવાઇઝર હાજીજુર રહેમાને તેમને ફોન કરી જાણ કરી હતી કે, લોકેશન નંબર 13/0 થી 15/0 તુણા કિડાણા એસએસ થી રામપર એસએસ કેવી એકેબીપીટીએલ લાઇન પર એસીએસઆર પેંથર કન્ડક્ટર (તાર) થાંભલા પર લગાવેલા હતા જેમાં ઉપરના ત્રણ તાર કાપી કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી ગયા છે.
આ જાણ થતાં તેઓ સર્વેયર ભલાનાથને લઇ સાઇટ પર ગયા હતા. તેમણે તપાસ કરી તો લોકેશન નંબર 13/0 થી 15/0 તુણા કિડાણા એસએસ થી રામપર એસએસ કેવી એકેબીપીટીએલ લાઇન પર રૂ.1,62,645 ની કિંમતના 130 સ્ક્વેર એમએમનો 1,209 મીટર કેબલ ચોરી થયો હોવાનો ખ્યાલ આવ્યો હતો.
આ બાબતે તેમણે પોતાના ઉપરી અધિકારીને જાણ કર્યા બાદ કંડલા મરિન પોલીસે અજાણ્યા ઇસમોએ ચોરી કરવાની સાથે કાપકૂપ કરી રૂ.20,000 નું વધારાનું નુકશાન પણ પહોંચાડ્યું હોવાનું તેમણે ફરીયાદમાં જણાવ્યું હતું. આ ઘટનામાં તપાસ પીઆઇ એમ.એમ.જાડેજા ચલાવી રહ્યા છે. ગાંધીધામ સંકુલની વાત કરીએ તો થોડા સમય પહેલાં જ અંજાર વિસ્તારમાંથી ચાલુ લાઇને તસ્કરો કેબલ ચોરી ગયા હોવાની ઘટના નોંધાયા બાદ હવે આ બીજી ઘટના નોંધાઇ છે.
આ જ સાઇટ પર ચોકીદાર રાખ્યા બાદ પણ તસ્કરો કેબલની કાપકૂપ કરી ગયા !
કિડાણા થી રામપર વચ્ચે વીજ કંપનીના તાર કાપી 1.62 લાખની ચોરી થઇ હોવાનો ખ્યાલ આવ્યા બાદ ઉપરી અધિકારીને જાણ કર્યા બાદ બે ચોકિદાર પેટ્રોલિંગ માટે રાખ્યા હતા. પરંતુ તેમ છતાં તા.11/6 ના મધરાત્રે ફરી એ લાઇનમાંથી તસ્કરો કેબલમાં કાપકુપ કરી ગયા હોવાનું ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું. આ ઘટનામાં અનુમાન કરી શકાય છે કે તસ્કરોને કોઇ ખોફ નથી !
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.