રાપર તાલુકાના ચિત્રોડ થી માખેલ ટોલ પ્લાઝા સુધીમાં હાઇવે પર ટ્રકમાંથી ચોરી કરતી ગેંગ દ્વારા ટ્રકની તાલપત્રી કાપી રૂ.1.51 લાખની કિંમતના સોયા તેલના 70 બોક્સની ચોરી કરી હોવાની ફરિયાદ ટ્રક માલીકે આડેસર પોલીસ મથકે નોંધાવી હતી.
અંજારના મેઘપર બોરીચીમાં રહેતા ટ્રક માલિક કિશનભાઇ ઉર્ફે કાનાભાઇ અરવિંદભાઇ નાણાવટીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની પાસે કામ કરતા ડ્રાઇવર બળદેવભાઇ ઇશ્વરલાલ મારાજ અને ક્લીનર પોપટલાલ માવજીભાઇ ઠાકોર તા.27/5 ના રોજ અંજારમાં આવેલી ઓઝન પ્રોકોન પ્રા.લિ. માંથી વિમલ રિફાઇન સોયા ઓઇલના 1800 પાઉચ ભરેલા 150 બોક્સ, શ્રી હરી વનસ્પતિ સોયા ઓઇલના 1 લીટર વાળા 17,600 પાઉચ ભરેલા 1,100 બોક્સ અને શ્રી હરિ વનસ્પતિ સોયા ઓઇલના 500 એમએલના 2,240 પાઉચ ભરેલા 70 બોક્સ ભરી મહેસાણા આ જ કંપનીમાં ખાલી કરવા નિકળ્યા હતા.
રાત્રે સાડા બાર વાગ્યે સામખિયાળી નજીક હોટલ પર જમવા રોકાયા ત્યારે તપાસ કરી તો બધું બરોબર હતું પણ મહેસાણા કંપનીમાં પહોંચ્યા ત્યારે તાલપત્રી તૂટેલી દેખાતાં ચોરી થઇ હોવાની આશંકાથી તપાસ કરી તો રૂ.1,51,598ની કિંમતના શ્રી હરી વનસ્પતિ સોયાબીન ઓઇલના 1 લીટરના 288 પાઉચ ભરેલા 24 બોક્સ અને વિમલ સોયાબિન ઓઇલના 1 લીટરના 736 પાઉચ ભરેલા 46 બોક્સ ચોરી થયા હોવાની જાણ થતાં આ બાબતે ચાલકે પોતાના ટ્રક માલિકને જાણ કરી હતી.
તેમણે તપાસ કર્યા બાદ આડેસર પોલીસ મથકે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ચિત્રોડ માખેલ વચ્ચે ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. હાઇવે પર જતી ટ્રકની તાલપત્રી તોડી અવાર નવાર ચોરીને અંજામ આપતી આ ગેંગ ટ્રાન્સપોર્ટરો માટે માથાનો દુ:ખાવો બની રહી છે.
અલગ અલગ સીસી ટીવી ફૂટેજ ચકાસ્યા બાદ આ ફરિયાદ નોંધાવાઇ
આ ચાલુ ટ્રકમાંથી ચોરીની ઘટનામાં ટ્રક માલિકને ચોરી થઇ હોવાની જાણ થયા બાદ તાલપત્રી ક્યાં કપાઇ છે તે જાણવા અલગ અલગ જગ્યાએ રુટ ઉપરના સીસી ટીવી ના ફૂટેજ ચકાસવા પડ્યા હતા અને ત્યારબાદ આ તાલપત્રી ચિત્રોડ થી માખેલ ટોલપ્લાઝા વચ્ચે કપાઇ હોવાનો ખ્યાલ આવ્યા બાદ આ ફરિયાદ નોંધાવાઇ હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.