પૂર્વ કચ્છમાં દારૂની બદી રીતસર ઘર કરી ગઇ હોય તેમ દર વર્ષની જેમ વિતેલા વર્ષમાં પણ પોલીસે દરોડા પાડી સાડા છ થી સાત કરોડનો દારૂ ઝડપ્યો હતો, વર્ષ-2022 માં વિદેશી શરાબની 2,10,369 બોટલો સાથે 137 આરોપીઓ વર્ષ દરમિયાન પકડાયા હતા જેમાં 36 બુટલેગરો પકડાયા હતા અને 8 બુટલેગરોને પાસે તળે ધકેલાયા હતા. ગયા વર્ષ દરમિયાન 20 લાખથી વધુનો દારૂ 15 વખત, 10 લાખથી વધુનો દારૂ 2 વખત, 5 લાખથી 10 લાખ સુધીનો દારૂ 5 વખત તેમજ 25 હજારથી 5 લાખ સુધીનો દારૂ 122 વખત ઝડપાયો હતો.
મોટા ભાગના દરોડામાં બુટલેગર તો ફરાર જ રહેતા હોય છે દારુનો વેપલો
પૂર્વ કચ્છમાં ઘટતો નથી સામે પોલીસ દ્વારા પણ દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપાતો રહે છે અમુક કિસ્સામાં જ આરોપીઓ પણ પકડાય છે પરંતુ મોટા ભાગના દરોડાઓમાં મુખ્ય બુટલેગર તો ફરાર જ રહેતા હોવાનું જોવા મળ્યું છે. હાઇકોર્ટના જજ દ્વારા પણ આ બાબતે બીબાઢાળ ફરિયાદો નોંધતી પોલીસની ઝાટકણી કાઢી હતી.
પૂર્વ કચ્છનો એક બુટલેગર તો પોલીસ કસ્ટડીમાં રહી ખેપ કરાવતો હતો
પૂર્વ કચ્છના એક કુખ્યાત બુટલેગર પુના ભાણા ભરવાડ પકડાયા બાદ તે પોલીસ કસ્ટડીમાં હતો તે સમયે જ તેણે દારૂની કરાવેલી ખેપ પોલીસે ઝડપી હતી. આ બુટલેગરે ગળપાદર જેલમાં કર્મચારી સાથે મારકૂટ કરી હોવાની ઘટના પણ આ વર્ષે જ નોંધાઇ હતી. તો જેલમાં બેઠે બેઠે ધમકી આપતો હોવાની ફરિયાદ પણ એક બાતમીદારે આ બુટલેગર વિરૂધ્ધ નોંધાવી હતી.
તત્કાલિન આઇજીપી સુભાષ ત્રિવેદીએ શરૂ કરેલી સિસ્ટમ કેમ બંધ થઇ ?
કચ્છ બોર્ડર રેન્જના તત્કાલિન આઇજીપી સુભાષ ત્રિવેદીએ પોતાના કાર્યકાળમાં 20 બોટલ સાથે ઝડપાય કે કારમાંથી 150 બોટલ સાથે ઝડપાય તેની પાસેથી આ દારૂ કોની પાસેથી આવ્યો તેનું નામ લેવાની અને લખવાની સૂચના અપાઇ હતી પરંતુ સુભાષ ત્રિવેદીના ગયા બાદ આ સિસ્ટમ અચાનક જ બંધ થઇ છે.આ વર્ષના પ્રથમ માસના પહેલા અઠવાડીયામાં જ 15 લાખનો દારૂ ઝડપાયો વર્ષ-2023 ના પ્રથમ જ માસમાં એલસીબી અને સ્થાનિક પોલીસે વરસામેડી સીમમાં કારમાંથી, આંગણવાડીના વરંડામાં છૂપાવેલા 14 લાખનો દારૂ ઝડપી બોણી કરી લીધી છે આ વર્ષના પ્રથમ 15 દિવસમાં જ 15 લાખથી વધુનો દારૂ ઝડપાઇ ચૂક્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.