રોગચાળો:રામબાગ દવાખાનામાં છેલ્લા 9 માસમાં 1.12 લાખ ઓપીડી નોંધાઈ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્દીઓનો ધસારો વધ્યો તો હાડકા અને બાળકોના તબીબ પણ ઉપલબ્ધ થયા
  • ગત વર્ષના સરખા સમયગાળામાં 98,378 નોંધાઈ હતી
  • ​​​​​​​આ વર્ષે 14હજાર વધુ દર્દીઓ નિદાન અને દવા માટે આવ્યા

પુર્વ કચ્છની મહત્વપુર્ણ એવી રામબાગ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ઓપીડી, ઓપરેશન, ટેસ્ટીંગ સહિતની બાબતોમાં ગત વર્ષ કરતા નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જે પાછળ વધતા દર્દીઓ અને કેટલાક સારો પ્રત્યુતર આપતા તબીબો પણ કારણભુત હોવાનું જાણવા મળે છે. પરંતુ લોકોનો ધસારો જોતા અહી સરકાર વધુ ધ્યાન આપીને જરૂરી મહેકમ અને સંશાધનો ફાળવે તો જનસામાન્યનું આરોગ્ય ક્ષેત્રે કલ્યાણ થાય તેવો સુર ઉઠવા પામ્યો છે.

રામબાગ હોસ્પિટલમાં ગત વર્ષે એપ્રીલ થી ડિસેમ્બર 2021 સુધીના 9 મહિનાના ગાળામાં 98,378 ઓપીડી નોંધાઈ હતી, જેની સામે ગત ડિસેમ્બર સુધીના સરખાજ ગાળામાં ચાલુ નાણાકિય વર્ષમાં 1,12,380 ઓપીડી નોંધાઈ છે. એટલે કે 14 હજાર જેટલી ઓપીડીમાં વધારો થયો છે, ગત વર્ષોમાં ન રહેલા હાડકાના અને બાળકોના તબીબોને મળી રહેલા સારા પ્રત્યુતર પણ આ માટે કારણ હોવાનું જાણવા મળે છે. અન્ય પરિસ્થિતિઓ પર નજર નાખીયે તો રામબાગમાં ગત વર્ષે લેબોરેટરીમાં આજ સમયગાળામાં 1.26 લાખ જેટલા અલગ અલગ ટેસ્ટ થયા હતા, જે આ વર્ષે 1.46 લાખ થયા છે.

ડાયાલીસીસ સેન્ટર ગત વર્ષે હજી ચાલુજ થયેલું ત્યારે 136, જે આ સમયગાળામાં વધીને 2114 થયા હતા. નોંધવું રહ્યું કે આ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલને ડિસ્ટ્રીક્ટનો દરજ્જો આપવાની જુની માંગ છે, જે અંગે રાજકીય અગ્રણીઓ કટીબદ્ધતા વ્યક્ત કરી ચુક્યા છે, તો ગત કાર્યક્રમમાં તત્કાલિન વિધાનસભા અધ્યક્ષે તે સાથે મેડિકલ કોલેજની માંગ પણ રાખી દીધી હતી. હવે, આ તમામ માંગો ક્યારે ફળીભુત થાય છે તે જોવું રહ્યું.

ગત વર્ષે 3620ની સામે આ વર્ષે 5012 ઓપરેશન
રામબાગ હોસ્પિટલમાં એપ્રીલ થી ડિસેમમ્બર 2022ના 9 મહિનાના મેજર અને માઈનર મળીને કુલ 5012 ઓપરેશન કરવામાં આવ્યા હતા. ગત વર્ષે આજ સમયગાળામાં થયેલા ઓપરેશનની સંખ્યા 3620 હતી. આમ આ વત વર્ષ કરતા નોંધપાત્ર રુપે વધુ સર્જરી હાથધરાઈ હતી.

ઠંડીના ચમકારા સાથે વાઈરલ તાવ, ખાંસીના કેસ વધ્યા
ઠંડીનો ચમકારો ધીરે ધીરે વધી રહ્યો છે ત્યારે તેની સાથે હવે હોસ્પિટલોમાં વાઈરલ ફીવર, તાવ, શરદી, ઉધરશના કેસો નોંધપાત્ર રુપે વધવા પામ્યા છે. કેટલાક લોકો ઘરગથ્થુ ઉપચારોથી ૠતુજન ફેરફારોના કારણે થતા શારીરીક બદલાવોનો સામનો કરી રહ્યા છે, તો કેટલાક ખાનગી કે સરકારી હોસ્પિટલમાં પણ જઈ રહ્યા છે, ખાનગી દવાખાનાઓમાં દાખલ દર્દીઓની સંખ્યા પણ વધી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...