અકસ્માત:ઇનોવાએે 3 બાઇક અડફેટે લેતા 1 યુવકનું મોત

ગાંધીધામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંડલા-ગાંધીધામ સર્વિસ રોડ પર અકસ્માત સર્જનાર ડ્રાઇવર વાહન મુકીને ભાગી ગયો : ચાર વ્યક્તિ ઘાયલ
  • એક ગંભીર ઇજાગ્રસ્તને સ્થાનિકે સારવાર આપ્યા બાદ મહેસાણા ખસેડાયો

કંડલા થી ગાંધીધામ જતા સર્વિસ રોડ પર પીએસએલ ઝૂંપડા સામેના સર્વિસ રોડ પર પૂર ઝડપે જઇ રહેલા ઇનોવા કારના ચાલકે એક બાઇકને ટક્કર મારી બેકાબૂ બની વધુ બે બાઇક અડફેટે લીધી હતી જેમાં એક રેલ્વે કર્મી યુવકનું ગંભીર ઇજાને કારણે મોત નિપજ્યું હતું, તો ચાર યુવાન ઘાયલ થયા હતા જેમાંથી એકને અતિ ગંભીર ઇજા પહોંચી હોવાથી સ્થાનિકે સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે મહેસાણા ખસેડાયો હોવાની ઘટના બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

કાર્ગો ઝૂંપડા યાદવનગરમાં રહેતા રિક્ષા ચાલક જીગરભાઇ શંકરભાઇ ભરવાડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ ઘટના તા.9/9 ના રોજ રાત્રે બની હતી જેમાં તેઓ પોતાના મિત્ર સોમાભાઇ માલુભાઇ ભરવાડ સાથે રિક્ષા લઇ પીએસએલ કાર્ગો ઝુંપડા જવાના સર્વિસ રોડ પર ચા પીવા ગયા હતા ત્યારે કંડલા તરફથી પૂરપાટ આવેલા ઇનોવા ચાલકે એક બાઇકને ટક્કર માર્યા બાદ બેકાબુ બની અન્ય બે બાઇકને પણ અડફેટે લીધી હતી.

અકસ્માતની ઘટના સમયે ભીડ એકઠી થતાં ઇનોવા ચાલક કાર મુકી નાસી ગયો હતો તેમણે સ્થળ પર જોયું તો તેમના સબંધી મુકેશભાઇ વરચંદભાઇ ભરવાડને માથામાં, કમરમાં તેમજ બન્ને હાથમા઼ ગંભીર ઇજાઓ પહોંચી હતી તો અન્ય બાઇકના ચાલક રેલ્વે કોલોનીમાં રહેતા 29 વર્ષીય મુળ ઓરિસ્સાના જગન્નાથ ગુરૂબરી સામતરાયને અતિ ગંભીર ઇજા પહોંચતા સારવાર નસીબ થાય તે પહેલાં દમ તોડ્યો હતો જ્યારે મુકેશ પ્રમોદરાય કુર્મી, સુભાષ ગજાનન ચૌધરી અને સમીનકુમાર મુમલસિંગ કુર્મીને પણ ઇજાઓ પહોંચી હતી.

ફરિયાદીના સબંધી મુકેશભાઇને પ્રથમ આદિપુર સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે મહેસાણા ખસેડાયા હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. આ ઘટના બાબતે પીઆઇ એમ.એન દવેને પુછતાં હજી અકસ્માત સર્જનાર ઇનોવા ચાલક પકડાયો ન હોવાનું અને તપાસ ચાલુ હોવાનું તેમણે જણાવ્યું હતું.

પિતાના મૃત્યુ બાદ 3 બહેનનો સહારો એક જ ભાઈ હતો જગન્નાથ

નાનપણમાં પિતાના મોત બાદ રેલવેમાં નોકરી લાગી હતી, 7 વર્ષથી કંડલામાં ગુડ્ઝ ક્લાર્ક તરીકે કાર્યરત
ગાંધીધામ થી કંડલા જતા સર્વિસ રોડ પર બેફામ જતી ઈનોવા કારે ત્રણ બાઈકને અડફેટે લઇ સાત વર્ષેથી કંડલામાં ક્લાર્ક તરીકે કાર્યરત યુવાન રેલવે કર્મચારીનું મોત નિપજાવ્યું હતું. આ યુવાન તેના પિતાની મોત બાદ પરિવારનો એકમાત્ર સહારો અને ત્રણ બહેનોનો એક ભાઈ હતો. તેના મોતના સમચાર જ્યારે આસામના તે અંતરીયાળ વિસ્તારમાં આવેલા તેના ઘરે પહોંચ્યા ત્યારે તેની બે બહેનો બેભાન થઈ ગઈ હતી, જેમાંથી એકને હાર્ટ એટેક આવ્યાનું સામે આવી રહ્યું છે. કાળજુ કંપાવનારી આ ઘટનામાં ફરાર આરોપી ગાંધીધામની ડીપીએ દ્વારા અપાયેલી કારની કોન્ટ્રાક્ટર પેઢીનો હોવાનું જાણવા મળે છે.

7 વર્ષથી 29 વર્ષીય જગન્નાથ સામતરાયએ કંડલામાં રેલવેના સિનિયર ગુડ્ઝ ક્લાર્ક તરીકે કાર્યરત હતા. શુક્રવારના રેલવે કોલોનીમાં રહેતા જગન્નાથ પોતાની ડ્યુટી જોઇન્ટ કરવા તેમના સહકર્મી અને મીત્ર સાથે બાઈક પર સવાર થઈને નિકળ્યા, પીએસએલ ઝુપડા સામેનો વિસ્તાર આવતા સુધીમાં મીત્ર પેટ્રોલ ભરાવવા ઉભો રહ્યો અને ધીમી ગતીએ આગળ વધતા જગન્નાથને રોંગ સાઈડમાં બેફામ ગતીએ આવતા ઈનોવા ચાલકે અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું.

જગન્નાથ ઓડીસાના અંતરીયાળ વિસ્તારના પરિવારનો એકમાત્ર સહારો હતો, તે 5 વર્ષના હતા ત્યારે રેલવેમાં કાર્યરત તેમના પિતાનું મોત નિપજ્યું હતું. ત્રણ બહેનોનો એકજ ભાઈએ 18 વર્ષની ઉમર થવા સુધીની રાહ જોઇ અને આખરે તેને પણ રેલવેમાં નોકરી મળતા છેલ્લા 7 વર્ષથી કંડલામાં સીનીયર ગુડ્ઝ ક્લાર્ક તરીકે કાર્યરત હતા. તેના અકસ્માત મોતના સમાચાર તેના ઓડીસા સ્થિત પરિવાર પર જાણે વજ્રાઘાત બન્યા અને બે બહેનો અર્ધ બેભાન અવસ્થામાં સરી પડી, મોટી બહેનને હાર્ટ એટેક આવી ગયો. ભુવનેશ્વરથી આવેલા સ્નેહીજને અંતિમ વિધી કરી, પરંતુ પરિવાર માટેનો સથવારો છીનવાઈ જતા સહકર્મચારીઓ સહિત રેલવેમાં આ ઘટનાનો ઉંડો આઘાત જોવા મળ્યો હતો.

ડીપીએના સિવીલ એન્જિનીયરીંગ વિભાગ હસ્તક કાર ફાઈલમાં સહિ કરાવવા કંડલા ગઈ હતી!
અકસ્માત સર્જીને કારને સ્થળ પર મુકી ચાલક ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યા બાદ સુત્રોના આધારે બહાર આવતી વિગતો અનુસાર આ કાર દીનદયાલ પોર્ટ ઓથોરિટીના અધીકૃત કાર સપ્લાય કોંટ્રાક્ટરની હતી, જે પોર્ટના સિવીલ એન્જિનીયરીંગ વિભાગ હસ્તક ચાલતી હતી. વિભાગના અધિકારીના આદેશથીજ આ કાર માત્ર ફાઈલોમાં સહિ કરાવવા માટે દોડાવાઈ હતી, વિભાગ અને સબંધિત ઠેકેદાર કંપનીની ભુમીકા અગાઉ પણ વિવાદમાં રહી ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...